મેચના પાંચમા અને આખરી દિને ઈંગ્લેન્ડે તેના બીજા દાવમાં 3 વિકેટે 129 રન બનાવી દાવ ડીકલેર્ડ કરીને વેસ્ટઈન્ડીઝને જીત માટે 312 રનનો અઘરો લક્ષ્‍યાંક આપીને વેસ્ટઈન્ડીઝને જબરા દબાણમાં લાવી દીધું હતું અને ઈંગ્લેન્ડના બોલરે બાકીનું કામ પુરુ કર્યુ. વેસ્ટઈન્ડીઝનો બીજો દાવ ફકત 198 રનમાં પુરો થઈ ગયો હતો.

વેસ્ટઈન્ડીઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેના બીજા ટેસ્ટ મેચમાં એક જબરજસ્ત રોમાંચ વચ્ચે ગઈકાલે યજમાન ઈંગ્લેન્ડની ટીમે વેસ્ટઈન્ડીઝને 113 રનથી પરાજીત કરીને પ્રથમ ટેસ્ટની હારનો બદલો લેવા ઉપરાંત 3 ટેસ્ટમેચની શ્રેણી 1-1થી સમતોલ કરી હતી. અને ઈંગ્લેન્ડે 113 રનથી બીજો ટેસ્ટ જીતીને હવે શ્રેણી માટે આખરી ટેસ્ટ નિર્ણાયક બનાવી દીધો હતો.

ઈંગ્લેન્ડની જીતનો હીરો ઓલરાઉન્ડર બેન સ્ટોક મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. તેણે પ્રથમ દાવમાં સદી અને બીજા દાવમાં અર્ધ સદી બનાવી હતી અને તે પણ બીજા દાવમાં જયારે વિન્ડીઝને પુરેપુરી ઓલઆઉટ કરવા માટે સમય મહત્વનો હતો તે સમયે 57 દડામાં 78 રન ફટકાર્યા જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા તો પ્રથમ ટેસ્ટમાં પડતા મુકાયેલા સ્ટુઅર્ટ બોર્ડએ બન્ને દાવમાં 3-3 વિકેટ ઝડપીને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.