આર્જેન્ટિના-

આર્જેન્ટિના અને બોલિવિયા વચ્ચે વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં શુક્રવારે મેચ હતી. આ મેચમાં આર્જેન્ટિનાએ બોલિવિયાને 3-0થી હરાવ્યું હતું. અને આ મેચમાં ત્રણ ગોલ મેસ્સીએ કર્યા હતા. આનો મતલબ એ થયો કે આખી મેચમાં મેસ્સી એકમાત્ર એવો ખેલાડી હતો જેણે ગોલ કર્યા હતા. આર્જેન્ટિનાના સ્ટારે બોલિવિયા સામે હેટ્રિક ફટકારીને નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

મેસ્સીએ બોલિવિયા સામેની મેચમાં 14 મી મિનિટમાં પોતાનો પહેલો ગોલ કર્યો હતો. આ એક ગોલ સાથે પહેલા હાફની રમત સમાપ્ત થઈ, જેમાં આર્જેન્ટિનાની લીડ 1-0 હતી. જ્યારે બીજા હાફની રમત શરૂ થઈ ત્યારે મેસ્સીએ 64 મી મિનિટે બીજો ગોલ કરીને પોતાની ટીમને 2-0ની લીડ અપાવી હતી. આ પછી જ્યારે મેચ પૂરી થવાની હતી ત્યારે મેસ્સીએ પોતાનો ત્રીજો ગોલ કર્યો અને હેટ્રિક પૂરી કરી. આ ગોલ 88 મી મિનિટમાં થયો હતો. બોલિવિયા સામે તેની ટીમની શાનદાર જીત બાદ આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીએ કહ્યું કે હું મારી રમતને સારી રીતે માણી રહ્યો હતો. મારા માટે આ એક ખાસ ક્ષણ છે. તે એક સપનું છે, જે લાંબા રાહ જોયા પછી પ્રાપ્ત થયું છે.


બોલિવિયા સામે હેટ્રિક સાથે મેસ્સીએ બ્રાઝિલના મહાન પેલેનો 77 ગોલનો રેકોર્ડ તોડ્યો, જ્યારે ઇરાક માટે 78 ગોલ કરનાર હુસેન સઇદને પણ પાછળ છોડી દીધો. મેસ્સીએ હવે કુલ 79 આંતરરાષ્ટ્રીય ગોલ નોંધાવ્યા છે.