વડોદરા

વડોદરા મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિની શાળાઓના બાલવાડીના વર્ગ -૪ના નાના નાના કર્મચારીઓને વર્ષો સુધી હંગામી ધોરણે ફરજ પર રાખ્યા પછીથી કાયમી કરવાને માટે એક કરોડ ઉપરાંતનું ઉઘરાણું કરનારા આ અંગેની દરખાસ્ત પાલિકાના વર્તમાન શાસકોની અંતિમ સામાન્ય સભામાં મુલતવી રહેતા ઉંધા માથે પટકાયા છે. જેને લઈને શિક્ષણ સમિતિની શાળાના હંગામી કર્મીઓને કાયમી કરવાના મામલે કાયમી થવાને માટે કેતકીના અડધા લાખ જેટલી રકમ આપનારા કર્મચારીઓ દ્વારા નાણાં પરત મંગાતા કટકી કરનારાઓમાં દોડધામ મચી જવા પામી છે. જેને લઈને તેઓ આખરે પોતપોતાના રાજકીય ગુરુઓને શરણે થઈને બચવાના પ્રયાસો કરી રહ્યા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાલવાડી તેમજ વર્ગ-૪ના સિપાઈ, પગી, કામાઠંણબાઈ,સફાઈ સેવક અને તેડાગરબાઈ જેવા હોદ્દાઓ પર સને ૧૯૯૨થી ઓન પ્રોબેશન પિરિયડ પર ફરજ બજાવી રહયા છે. તેઓનું કાયદા મુજબ એક વર્ષ બાદ પ્રોબેશન પિરિયડ દૂર થવું જાેઈએ. પરંતુ તેને બદલે વર્ષોવર્ષ સુધી તેઓનો પ્રોબેશન પિરિયડ દૂર ન કરીને તેઓનું અસહ્ય આર્થિક શોષણ પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષોવર્ષ સુધી કરવામાં આવ્યું હતું. હાલમાં આ નિમણુંક પામેલ ૫૭૨ કર્મચારીઓ પૈકી માત્ર ૨૩૪ ફરજ બજાવે છે. જયારે ૨૭૨ કર્મચારીઓ વાય મર્યાદાને લઈને નિવૃત્ત થઇ ચુક્યા છે. તેમજ ૬૬ કર્મચારીઓના અવસાન થઇ ચુક્યા છે. તેઓની તરફેણમાં ઔદ્યોગિક ન્યાયપંચ કોર્ટ(લેબર કોર્ટ) દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. તેમજ નગર પ્રાથમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ એને મંજૂરી અપાઈ છે. જેની પાછળ એક કરોડ ઉપરાંતનો વહીવટ થયો હોવાનું ચર્ચાતું હતું. આ કાયમી ગણીને આર્થિક લાભ આપવાને માટે વચન આપીને પ્રત્યેક કર્મચારી દીઠ અડધા લાખનું ઉઘરાણું કરવામાં આવ્યું હતું.

આ પ્રમાણે એક કરોડ ઉપરાંતની રકમ અગાઉથી જ લઇ લેવામાં આવી હતી. પરંતુ એ બાબતને સામાન્ય સભાએ મંજૂરી ન આપીને મુલતવી રાખતા નાણાં આપનારાએ નાણાં પરત માગતા ઉઘરાણું કરનારના માથે વિકટ સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને કટકી કરનારાઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત આ પ્રશ્ને કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે એવા ભયને લઈને લાંચ લેનારાઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. એટલુંજ નહિ તેઓ આ બાબતે માં મને કોઠીમાંથી કાઢ જેવી સ્થિતિ સર્જાતા રાજકીય ગુરુઓના શરણે બચવાને માટે પહોંચી ગયાનું જાણવા મળ્યું છે.