દિલ્હી-

યુપી સરકારે રાજ્યમાં પોપ્યુલેશન કન્ટ્રોલના કાયદો લાગુ કરવા માટેની તૈયારી કરી લીધી છે.આ માટેનો ડ્રાફ્ટ બનાવીને તૈયાર છે.આ ડ્રાફટમાં કરવામાં આવેલી જાેગવાઈઓ અંગે મળતી વિગતો પ્રમાણે ૨થી વધારે બાળકો હોય તેમને સરકારી નોકરી માટે અરજી કરવાથી માંડીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા પર રોક લગાવવાનો પ્રસ્તાવ છે.

આ ડ્રાફટને સરકારની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો છે અને ૧૯ જુલાઈ સુધી તેના પર લોકોના મંતવ્યા માંગવામાં આવ્યા છે.આ ડ્રાફટ એવા સમયે રજૂ કરાયો છે જ્યારે ૧૧ જુલાઈએ યોગી સરકાર નવી પોપ્યુલેશન પોલિસી જાહેર કરવા જઈ રહી છે.જાે કાયદો લાગુ થયો તો બેથી વધારે બાળકો પેદા કરનારા સરકારી નોકરી માટે એપ્લાય નહીં કરી શકે અને તેમને બઢતી પણ નહીં મળશે.સાથે સાથે ૭૨ જેટલી સરકારી યોજનાઓના લાભ અને ગ્રાન્ટથી પણ આવા લોકોને વંચિત રહેવુ પડશે.

સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનારા ઉમેદવારોએ બેથી વધારે બાળકો પેદા નહીં કરીએ તેવુ સોગંદનામુ પણ આપવુ પડશે અને જાે તેઓ બેથી વધારે બાળકોના માતા કે પિતા બનશે તો તેમની ચૂંટણી રદ કરવામાં આવશે.જાે બાળકોના માતા પિતા સરકારી નોકરીમાં છે અને નસબંધી કરાવે છે તો તેમને વધારાનુ ઈન્ક્રીમેન્ટ, પ્રમોશન, સરકારી આવાસની યોજનામાં છૂટ આપવાની પણ ભલામણ કરવામાં આવી છે.બે બાળકો ધરાવતા દંપતિ જાે સરકારી નોકરીમાં નથી તો તેમને પાણી, લાઈટ, ઘરવેરા તેમજ હોમલોનમાં પણ વધારે સુવિધા આપવાની જાેગવાઈ કરવામાં આવી છે.સાથે સાથે એક જ બાળક હોય અને નસબંધી કરાવે તેવા માતા અથવા પિતાના સંતાનને ૨૦ વર્ષ સુધી મફત સારવાર, શિક્ષણ તેમજ સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે.