મહેસાણા-

મહેસાણા દૂધ સાગર ડેરીની ચુંટણી પ્રક્રીયાનો ધમધમાટ શરૂ થયો છે. ૧૫ બેઠકો માટે ૧૭૮ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ આજે ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર થવાની હતી પરંતુ હાઈકોર્ટે જ્યાં સુધી બીજાે હુકમ ન થાય ત્યાં સુધી ઉમેદવારોની યાદી જાહેર ન કરવાનો આદેશ કર્યો છે. વિસનગર પ્રાન્ત કચેરીમાં દૂધ સાગર ડેરીની ચુંટણી માટે ભરવામાં આવેલા ઉમેદવારીપત્રો સંદર્ભે વાંધાઓના નિકાલ તેમજ ઉમેદવારી પત્રોની ચકાસણી થઈ રહી છે.

મોડી રાત સુધી રજૂ થયેલા વાંધાઓના નિકાલની સુનાવણી ચાલુ રહી હતી. ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ મંગળવારે ઉમેદવારોની ફાઈનલ યાદી ચુંટણી અધિકારી દ્વારા પ્રસિધ્ધ થવાની હતી પરંતુ હાઈકોર્ટ દ્વારા મહેસાણા દૂધ સાગર ડેરીની ચુંટણીની ૧૫ બેઠકો ઉપર ચુંટણી લડનારા ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર ન કરવા સુચન કરવામાં આવ્યું છે.

આ અંગે હાઈકોર્ટનો બીજાે હુકમ થાય ત્યારબાદ જ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તેવું ચુંટણી અધિકારી અને પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલે જણાવ્યું છે. તેમણે કરેલા ઉલ્લેખ પ્રમાણે હાઈકોર્ટના સરકારી વકીલ મનિષા શાહ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં મહેસાણા દૂધ સાગર ડેરીની ચુંટણી અંતર્ગત ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર ન કરવા જણાવવામાં આવ્યું છે.