વડોદરા, તા.૬

શહેરમાં રહેતા રાજેશભાઈ (નામ બદલ્યુ છે)એ ગત ૨૦૧૬માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી ૧૬.૫૦ લાખની હોમ લોન લીધી હતી. જાેકે લોકડાઉન દરમિયાન આર્થિક ભીંસમાં આવેલા રાજેશભાઈ લોનના હપ્તા ભરી શક્યા નહોંતા જેથી એસબીઆઈ બેંક દ્વારા વડોદરા જિલ્લા કલેકટરની કોર્ટમાં ગત ૨૦૨૧માં રાજેશભાઈ વિરુધ્ધ કેસ દાખલ કર્યો હતો. આ કેસ ચાલી જતાં કલેકટરે વડોદરા શહેર પુર્વ ઝોનના મામલતદારને રાજેશભાઈના મકાનનો કબજાે લઈ સીલ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સંદર્ભે મામલતદારે રાજેશભાઈને તેમના મકાનનો કબજાે એસબીઆઈના અધિકૃત અધિકારીને સોંપવામાં આવશે તેવી નોટીસ મોકલી હતી. આ નોટીસના પગલે રાજેશભાઈએ નર્મદાભુવનના બીજા માળે આવેલી પુર્વ ઝોનના મામલતદાર તેમજ તેમની કચેરીના સર્કલ ઓફિસર (નાયબ મામલતદાર) કેતનકુમાર હસમુખલાલ શાહ (સી- ૭૨,પરિચય પાર્ક, વાઘોડિયારોડ)ને તેમને અપાયેલી મકાનનો કબજાે સોંપવાની મુદતમાં બે માસનો વધારો કરી આપવા માટે અરજી આપવા ગયા હતા પરંતું તેમની અરજી સ્વીકારાઈ નહોંતી. રાજેશભાઈએ સર્કલ ઓફિસર કેતનકુમારને વારંવાર મળી નોટીસની મુદત વધારી આપવા માટે આજીજી કરતા કેતનકુમારે તેમની વાત માનવા તૈયાર થયા હતા, પરંતું મુદત વધારી આપવા માટે તેમની પાસે ૨૫ હજારની લાંચ માંગી હતી જે રકઝકના અંતે ૧૫ હજાર આપવાનું નક્કી થયું હતું.

જાેકે રાજેશભાઈ લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેમણે અત્રેની એસીબી કચેરીના એસીપી પી.એચ.ભેસાણીયાનો સંપર્ક કર્યો હતો જેમાં સર્કલ ઓફિસરને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આજે બપોરે નર્મદાભુવનના આવેલી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર કેતનકુમાર શાહ તેમની કેબિનમાં રાજેશભાઈ પાસેથી ૧૫ હજારની લાંચ લેતા તેમને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયાની વાત વાયુવેગે ફેલાતા નર્મદાભુવનની સરકારી કચેરીઓમાં ફફડાટ ફેલાયો હતો.

ભ્રષ્ટાચારમાં નાયબ મામલતદારો અને પોલીસ વચ્ચે સ્પર્ધા

ચાલુ વર્ષે છ માસમાં વડોદરામાં લાંચ લેતા ઝડપાયેલા સરકારી કર્મચારીઓમાં નાયબ મામલતદારો અને પોલીસ જવાનો વચ્ચે જાણ સ્પર્ધા ચાલતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગત ૧૯મી જાન્યુઆરીએ એસીબીની ટીમે વડોદરા પોલીસના ટ્રાફિક વિભાગના હે.કો. ભાવસિંહ રાઠવા અને એલઆરડી જયંતી કટારાને ટોઈંગ કરેલા વાહનચાલકો પાસેથી ૪૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ગત ૧૩મી ફેબ્રુઆરીએ વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ-૧૩ની કચેરીનો જુનિયર ક્લાર્ક ભરત દિનેશભાઈ શાહ રેસ્ટોરાંના માલિકને વેરામાં રાહત આપવાના બહાને ૯ હજારની લાંચ લેતા ઝડપાયેલો. તેવી જ રીતે ૨૮મી માર્ચે મકરપુરા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ કલ્પેશ નંદકિશોર સોનવણેએ આરોપીને મિડીયામાં થતી બદનામીથી બચાવવા માટે કેસમાં ઝડપાયેલા આરોપી પાસે ૮૦ હજારની લાંચ માંગી હતી અને તેના બે વચેટિયા રાજુ ભરવાડ અને પ્રિન્સ શર્મા મારફત લાંચ સ્વીકારતા એસીબીએ ત્રણેયની ધરપકડ કરી હતી. ૧૧મી એપ્રિલે પુલ બાંધકામના બિલના ૧.૨૦ કરોડની ચુકવણી માટે નસવાડી પંચાયતના માર્ગ-મકાન વિભાગનો ડેપ્યુટી ઈજનેર હરીશ ચૈાધરી બે લાખની લાંચ લેતા ઝડપાયેલો અને ત્યારબાદ એસીબીની સંકજામાંથી નસવાડી રેસ્ટ હાઉસમાંથી ફરાર થઈ ગયો હતો. ૧૮મી એપ્રિલે કરજણનો ડેપ્યુટી મામલતદાર રાજેશ મહેન્દ્ર પટેલ પણ સુજલાફ-સુફલામ યોજના અંતર્ગત માંકણ ગામે પંચક્યાસ માટે ૫૦ હજારની લાંચની માગણી કરી હતી અને રકઝક બાદ ૩૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. ૨૬મી એપ્રિલે વડોદરામાં નાયબ વન સંરક્ષણની કચેરીમાં વર્ક ઓર્ડરનું બિલ પાસ કરવા માટે અધિકારી વી.એસ.તોડકરે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને તેના બે વચેટિયા રાકેશ ચૈાહાણ અને અનિલ રૈયાણી મારફત લાંચ સ્વીકારતા એસીબીએ તેઓને ઝડપી પાડ્યા હતા.

મોડી સાંજે સર્કલ ઓફિસરના ઘરે સર્ચ ઓપરેશન

સર્કલ ઓફિસરનો મોભાદાર હોદ્દો ધરાવતા કેતનકુમાર ૧૫ હજારની લાંચ લેતા ઝડપાતા જ પ્રાથમિક તપાસ બાદ એસીબીની ટીમે તેમને સાથે રાખી મોડી સાંજે વાઘોડિયારોડ પર આવેલા તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કેતનકુમારના ઘરે લાંબા સમય સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાતા સોસાયટીના રહીશોમાં પણ આ કાર્યવાહીને લઈને ઉત્તેજના ફેલાઈ હતી.

ઓપરેશન ભરુચ એસીબીની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું

નર્મદાભુવનના બીજા માળે પુર્વ ઝોન મામલતદાર કચેરી અને સાતમા માળે એસીબીની કચેરી આવેલી છે જેના કારણે સર્કલ ઓફિસર કેતનકુમાર મોટાભાગના એસીબી કચેરીના કર્મચારીઓથી પરિચિત હોઈ તેને લાંચ કેસમાં રંગે હાથ ઝડપી પાડવા માટે ભારે ગુપ્તતા રાખવામાં આવી હતી. સર્કલ ઓફિસરને ઝડપી પાડવા માટે એસીપી પી.એચ.ભેસાણીયાની સુપરવિઝનમાં ભરુચ એસીબીના પીઆઈ એસ.વી.વસાવા અને તેમના સ્ટાફને અત્રે બોલાવાયો હતો. ભરુચ એસીબીની ટીમ ટ્રેપ મુજબ સર્કલ ઓફિસરની કેબિનની બહાર ગોઠવાઈ હતી અને લાંચની રકમ સ્વીકારતા જ સર્કલ ઓફિસરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન પુરુ થયા બાદ અત્રેની એસીબી કચેરીના કર્મચારીને જાણ કરાતા તેઓએ આગળની કાર્યવાહી શરૂ કરી છે.