વડોદરા

જિલ્લામાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લા પોલીસવડાની સૂચના હેઠળ એલસીબી શાખાના પીઆઈ વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના કર્મચારીઓએ ઠેર ઠેર સઘન ચેકિંગ હાથ ધરવાની સાથે પેટ્રોલિંગ શરૂ કર્યું છે, ત્યારે આજે મોડી સાંજે એલસીબી શાખાને માહિતી મળી હતી કે તાલુકાના મિરસાપુર ગામના એક વૈભવી ફાર્મ હાઉસમાં મિત્રવર્તુળો સાથે દારૂની મહેફિલ ચાલી રહી છે, જે માહિતીના આધારે પોલીસે ઉક્ત ફાર્મ હાઉસમાં છાપો મારીને દારૂની ચૂસકી માણતા આઠ યુવકોને રંગેહાથ ઝડપી પાડયા હતા. જેમાં અંકિત અંબાલાલ પટેલ (રહે. મિરસાપુર), અપૂર્વ વિરેન્દ્ર પટેલ (રહે. ચંદ્રલોક સોસાયટી, માંજલપુર), ઝીલ ચેતનભાઈ અમીન (રહે. છાણી મેઈન બજાર), ગૌરવ ભૂપેન્દ્રભાઈ મહેતા (રહે. આનંદવિલા, છાણી જ.ના.), નેમી અશ્વિનભાઈ અમીન (રહે. નાની અમીન ખડકી, છાણી), જતીન દિનેશભાઈ પટેલ (રહે. પડવ નિવાસ, સોખડા), પંકલ જિતેન્દ્રભાઈ પટેલ (રહે. છાણી) અને ચિરાગ અરવિંદભાઈ પટેલ (રહે. રણુ, તા.પાદરા)નો સમાવેશ થાય છે. દારૂનો નશો કરેલા તમામ યુવકોની પોલીસે મેડિકલ તપાસ કરાવી હતી. જાે કે, આ તમામ યુવકો દારૂની મહેફિલ માણવા માટે જ એકત્રિત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ વૈભવી ફાર્મ હાઉસ કોનું છે, દારૂ ક્યાંથી લાવ્યા જેવી વિવિધ તપાસ પોલીસ શરૂ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાજપાના એક અગ્રણીનો પુત્ર અને કોંગી કોર્પોરેટરનો ભાણો બચી ગયા

વડોદરા. મિરસાપુર ગામના એક વૈભવી ફાર્મ હાઉસમાં મોડી સાંજે જિલ્લા એલસીબી પોલીસ દ્વારા પાડવામાં આવેલા છાપામાં દારૂની મહેફિલ માણતા આઠ નબીરાઓ ઝડપાયા છે. ત્યારે પોલીસના દરોડા પહેલાં ભાજપાના એક અગ્રણીનો પુત્ર અને કોંગ્રેસના કોર્પોરેટરનો ભાણો ફાર્મ હાઉસમાંથી નીકળી ગયા હતા. તો શું તેઓને પોલીસના છાપાની અગાઉથી જાણકારી હતી? તેવા સાવલો લોકમુખે ઊઠવા પામ્યા છે.