વડોદરા : શહેરના મકરપુરા જીઆઇડીસીમાં આવેલ ઇલેક્ટ્રિક બાઇક બનાવતી એક કંપનીના ગોડાઉનમાં આજે સવારના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરંત જ મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીમારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આ ભીષણ આગ કાબૂમાં આવે તે પહેલા જ ગોડાઉનમાં રખાયેલા ૧૫૦ જેટલા ઇ-બાઇકો ભસ્મીભૂત થઇ ગયા હતા. 

મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદના જણાવ્યા પ્રમાણે, મકરપુરા જીઆઇડીસીમાં શેડ નંબર-૯૧૦ ખાતે ઇલેક્ટ્રિક બાઇક બનાવતી વોર્ડ વિઝાર્ડ નામની કંપની અને ગોડાઉન આવેલું છે. આ કંપનીના ગોડાઉનમાં સવારે ૧૧ઃ૩૦ વાગ્યાના સુમારે એકાએક આગ ફાટી નીકળી હતી. આ અંગેની જાણ સુરજભાઇ નામના વ્યક્તિએ ફાયર બ્રિગેડને કરતા તુરંત જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. ગોડાઉનમાં આગ લાગતા જ અમે ગોડાઉનને કોર્ડન કરી ચારેકોર પ્રસરી ગયેલી આગ ઉપર પાણીમારો ચલાવી આગ કાબૂમાં કરી હતી. જોકે, આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલા ગોડાઉનમાં ઇ-બાઇકો ભસ્મીભૂત થઇ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ, ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

ઇલેક્ટ્રિક બાઇકના ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસમાં આવેલી નાની-મોટી કંપનીઓના કર્મચારીઓ પોતાના કામ પડતા મૂકીને બહાર દોડી આવ્યા હતા. ગોડાઉનમાં ઇલેક્ટ્રિક બાઇક હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશને ચુંબતી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ભીષણ આગ લાગતા જ લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ સાથે આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ દોડી ગયો હતો. આ સાથે વીજ કંપનીની ટીમ પણ પહોંચી ગઇ હતી અને સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો.

ઉલ્લેખનિય છે કે, પેટ્રોલ દ્વારા સંચાલિત બાઇકો કરતા ઇલેક્ટ્રિક બાઇકોનું વેચાણ નહીંવત છે અને હાલમાં કોરોનાની મહામારીના કારણે વ્હિકલોનું વેચાણ પણ ઓછું થઇ રહ્યું હોવાથી વોર્ડ વિઝાર્ડ નામની કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ ઇ-બાઇકોનો મોટો સ્ટોક ગોડાઉનમાં હતો. જે ગોડાઉનમાં રહસ્યમય આગ લાગતા ગોડાઉન સ્થિત તમામ ઇલેક્ટ્રિક બાઇકો બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે, ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે.

રાવપુરાના મકાનમાં અને નટુભાઈ સર્કલ પાસે બે ભારદારી વાહનોમાં આગ

ગઈકાલે મોડીરાત્રે બે વાગ્યાના અરસામાં નટુભાઈ સર્કલ પાસે આવેલ પરંપરા ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ એક આઇસર ટેમ્પો અને પીકઅપ વાનમાં આગ લાગી હતી. મોડીરાત્રે ખુલ્લા મેદાનમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકો ભેગા થઇ ગયા હતા અને બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડ દ્વારા ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. એવી જ રીતે રાવપુરા વિસ્તારમાં આવેલ ભાઉ કાળેની ગલીમાં આવેલ એક મકાનમાં આજે બપોરના સમયે આગ લાગી હતી. જેના પર ફાયરબ્રિગેડ દ્વારા કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.