ગાંધીનગર, ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદ્‌ત આજે શનિવારના રોજ પુર્ણ થતી હતી. જાે કે બોર્ડ દ્વારા નિયમિત ફી સાથે ફોર્મ સ્વિકારવાની મુદ્દત ૨ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. મુદ્દત વધારવામાં આવી હોવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી લેઈટ ફી લેવામાં આવશે નહીં. ઉપરાંત એપ્રુવલ સહિતની કામગીરી બાકી હોય તો તે પણ ૨ માર્ચ સુધીમાં કરી શકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૧ જાન્યુઆરી ધોરણ ૧૨ સાયન્સના ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શાળાઓને ૨૦ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવા માટે સુચના આપવામાં આવી હતી.

આ પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટે શનિવારે છેલ્લો દિવસ હતો. જાે કે ધોરણ ૧૨ સાયન્સના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ ઓનલાઈન ફોર્મ સબમીટ કરી શક્યા ન હતા. જેથી બોર્ડ દ્વારા રિપીટર ઉમેદવારો તેમજ અન્ય માટે ઓફલાઇન ફોર્મ સ્વીકારવાનું પણ નક્કી કર્યું હતું. આ માટે બોર્ડ દ્વારા વેબસાઈટ પર ઓફલાઇન ફોર્મ અંગેનું નમૂનાનું ફોર્મ પણ મૂકી દેવામાં આવ્યું હતું. ધો. -૧૨ સાયન્સના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ ૨ માર્ચ કરવામાં આવી હોવાથી ૨ માર્ચ સુધી કોઈ પણ સમયે સાયન્સના કોઈ પણ વિદ્યાર્થીની માહિતી શાળા કક્ષાએથી જ સુધારી શકાશે. આ માટે પણ કોઈ અલગથી ફી આપવાની રહેશે નહીં. જે વિદ્યાર્થીઓનું પ્રિન્સીપાલ એપ્રુવલ બાકી હોય તેણે પણ ૨ માર્ચ સુધીમાં કામગીરી પુર્ણ કરવાની રહેશે. જાે કોઈ શાળાએ ફાઈનલ એપ્રુવલ કર્યુ હોય અને આવેદનપત્રો ભરવાના કે સુધારા કરવાના બાકી હોય તો ફાઈનલ એપ્રુવલનું ટીક માર્ક કાઢીને સબમીટ કરવાથી આવેદનપત્ર ભરી શકાશે અને સુધારો પણ કરી શકાશે.