નવી દિલ્હી 

કોરોના વાઈરસ મહામારીને લઈને લાંબા સમયથી ભારતમાં કોઈ ક્રિકેટ સીરીઝ યોજી શકાઈ નથી. સાઉથ આફ્રીકા સામેની ઘરેલુ મેદાન પર યોજાનારી સીરીઝ પણ આ જ કારણે રદ કરી દેવાઈ હતી. ત્યારબાદ લોકડાઉન થવાને લઈને કોઈપણ મેચનું આયોજન પણ થઈ શક્યુ નહોતુ. ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ પર પણ ખતરો મંડરાઇ રહ્યો હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આઈપીએલની માફક જ યુએઇમાં રમતનું આયોજન કરી શકાય છે. ભારતીય ક્રિકેટ ફેન્સના માટે એક સારા સમાચાર છે કે બીસીસીઆઈ એ પ્રયાસમાં છે કે ઈંગ્લેન્ડ સામેની સીરીઝ યુએઈને બદલે ભારતમાં જ યોજવામાં આવે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ અને ત્રણ વન ડે મેચ તથા પાંચ ટી20 મેચ રમાનારી છે. એક અહેવાલ મુજબ ઈસીબી અને બીસીસીઆઈ પ્રવાસને લઈને તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. સલાહ પણ આપવામાં આવી રહી છે કે કોઈ એક જ વેન્યુ અથવા તેના આસપાસના શહેરોમાં જ રમતનું આયોજન કરવામાં આવે. જો કે સમાચારોની વાતને માનીએ તો બીસીસીઆઈ તેને વધારે શહેરોમાં આયોજીત કરવાની તૈયારીઓ કરી રહ્યુ છે. સીરીઝની કેટલીક મેચ અમદાવાદના નવા મોટેરા સ્ટેડીયમમાં આયોજીત કરવામાં આવી શકે છે. મોટેરા સ્ટેડીયમ હાલમાં દુનિયાનું સૌથી મોટુ સ્ટેડીયમ છે. ટેસ્ટ સીરીઝ ફેબ્રુઆરીમાં રમાનારી છે, વન ડે અને ટી20 સીરીઝ માર્ચ માસમાં રમાશે.