દુબઇ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી૨૦ સિરીઝના ત્રણ મુકાબલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ ટી૨૦ રેન્કિંગ જાહેર કર્યું છે. તાજા રેન્કિંગ પ્રમાણે વિરાટ કોહલીને ફાયદો થયો જ્યારે રાહુલને નુકસાન થયું છે. તો ઈંગ્લિશ બેટ્‌સમેન જોસ બટલરે પણ ટોપ-૨૦માં સ્થાન બનાવી આઈસીસી ટી૨૦ રેન્કિંગમાં શાનદાર વાપસી કરી છે. 

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હવે આઈસીસી ટી૨૦ રેન્કિંગમાં પાંચમાં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કેએલ રાહુલ ત્રીજાથી ચોથા સ્થાને ખસી ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત બે અડધી સદી ફટકારી છે. તે છઠ્ઠાથી પાંચમાં નંબરે પહોંચી ગયો છે, જ્યારે રાહુલ સતત ત્રણ મેચમાં માત્ર એક રન બનાવી શક્યો છે. તેવામાં તેને રેન્કિંગમાં પણ નુકસાન થયું છે. આ સમયે ડેવિડ મલાન વિશ્વનો નંબર-૧ ટી૨૦ બેટ્‌સમેન છે. 

જોસ બટલર ભારત વિરુદ્ધ ત્રીજી ટી૨૦ મેચ પહેલા આઈસીસી ટી૨૦ રેન્કિંગમાં ૨૪માં સ્થાને હતો, પરંતુ હવે તે ૧૯માં સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય બેયરસ્ટો ૧૬માંથી ૧૪માં સ્થાને પહોંચી ગયો છે. ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્મા ૧૭માં સ્થાને છે.

બોલિંગની વાત કરીએ તો ટી૨૦ ક્રિકેટમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પ્રથમ સ્થાને છે, જ્યારે ઓલરાઉન્ડરના રેન્કિંગમાં મોહમ્મદ નબી પ્રથમ નંબર પર છે. આઈસીસી વનડે રેન્કિંગની વાત કરીએ તો કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે, જ્યારે રોહિત શર્મા બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને બાબર આઝમ છે, ચોથા સ્થાન પર રોસ ટેલર અને પાંચમાં સ્થાને ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન આરોન ફિન્ચ છે.