દુબઇ 

 આઈપીએલની 13મી સીઝન હંમેશા યાદ રાખવામાં આવશે. કોરોના વચ્ચે રમાયેલી આ ટૂર્નામેન્ટ રોમાંચક બની છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે લીગની અંતિમ મેચ આજે રમાશે. ત્યારબાદ નક્કી થશે કે આખરે કઈ ચોથી ટીમ પ્લેઓફમાં જશે. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઇ કરી શકી છે.

પોતાની છેલ્લી બે મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવીને લય હાસિલ કરી ચુકેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ઈન્ડિયન્સ પ્રીમિયર લીગ પ્લેઓફમાં પહોંચવાની સંભાવનાને યથાવત રાખવા માટે અહીં મુંબઈ ઈન્ડિયન્સના પડકારને પાર કરવો પડશે.

હૈદરાબાદની ટીમની નેટ રનરેટ પ્લેઓફની દોડમાં સામેલ બીજી ટીમોથી સારી છે અને તેવામાં મુંબઈને હરાવીને વોર્નરની ટીમ અંતિમ ચારમાં જગ્યા બનાવી શકે છે. આક્રમક જોની બેયરસ્ટોને અંતિમ-11માથી બહાર રાખવાનો કઠિન નિર્ણય લીધા બાદ ટીમ યોગ્ય સંયોજન બનાવવામાં સફળ જોવા મળી રહી છે. રિદ્ધિમાન સાહાએ ડેવિડ વોર્નરની સાથે ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં પ્રભાવિત કર્યા છે જ્યારે જેસન હોલ્ડરે ટીમને ઓલરાઉન્ડર ખેલાડીનો વિકલ્પ આપ્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ મુકાબલામાં અંતિમ ઓવરોમાં ફાસ્ટ બોલર હોલ્ડર અને સંદીપ શર્માએ પ્રભાવશાલી પ્રદર્શન કર્યું હતું. ડાબા હાથના ફાસ્ટ બોલર ટી નટરાજન અને અનુભવી રાશિદ ખાનની હાજરીથી ટીમની બોલિંગ મજબૂત છે. આરસીબી વિરુદ્ધ પાછલી મેચમાં જીત મેળવ્યા બાદ કેપ્ટન વોર્નરે કહ્યુ હતુ કે, 2016મા પણ ટીમની સામે આવો પડકાર હતો અને અમે અંતિમ ત્રણ મેચમાં જીત મેળવી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદને ખ્યાલ છે કે મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમ વિરુદ્ધ ભૂલ કરવાની તક ખુબ ઓછી હશે, જે પોતાના પાંચમાં ટાઈટલ તરફ આગળ વધી રહી છે. ઈજાગ્રસ્ત રોહિત શર્માની ગેરહાજરીમાં મુંબઈએ પોતાની પાછલી મેચમાં આરસીબી અને દિલ્હી કેપિટલ્સને આસાનીથી હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાઇ કર્યું હતું. ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ નવા તથા જૂના બોલથી શાનદાર સ્વિંગ બોલિંગ કરી છે. રોહિતની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરી રહેલ પોલાર્ડ પ્રભાવશાળી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમમાં રોહિતની પસંદગી થઈ નથી અને બે સપ્તાહ પહેલા ઈજાગ્રસ્ત (હેમસ્ટ્રિંગ ઇંજરી) થનારા આ ખેલાડીના સાજા થવાની કોઈ સત્તાવાર જાણકારી નથી. પોઈન્ટ ટેબલમાં ટોપનું સ્થાન બનાવી ચુકેલી મુંબઈની ટીમ હૈદરાબાદને કોઈ તક આપવા ઈચ્છશે નહીં.