આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલાં નિસરાયા ગામમાં રાજ્યસભાના સાંસદે ફાળવેલી ગ્રાન્ટમાં મનમૂકીને ભ્રષ્ટાચાર કરાયો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ગામમાં સ્મશાન બનાવવા માટે સાંસદ લાલસિંહ વડોદિયા દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં ૩ લાખ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી હતી. ત્યારબાદ ગામમાં સરપંચ અને ડેપ્યૂટી સરપંચના નેજા હેઠળ આ સ્મશાનના નિર્માણ માટે કોન્ટ્રેક્ટ આપી દેવાયો હતો. જોકે, ત્યારબાદ ગામના હોદ્દેદારો અને કોન્ટ્રેક્ટર સહિત ગ્રાન્ટ ફાળવનારા સુધી વહીવટો થયાં હોવાના આક્ષેપ ઊઠ્‌યાં છે. 

આ અરજદારે તપાસની માગ સાથે કરેલી અરજીમાં આક્ષેપ કર્યા છે કે, રાજ્યસભાના સાંસદે ફાળવેલી ૩ લાખની ગ્રાન્ટમાં ગામના સરપંચ, ડેપ્યૂટી સરપંચ અને કોન્ટ્રેક્ટર સહિત છેક ઉપર સુધી રૂપિયાની ગોલમાલ કરાઈ હોવાની ગ્રામજનોમાં જ ચર્ચા ચાલી રહી છે. ગામમાં સ્મશાન બનાવવા માટે ૩ લાખ રૂપિયા ફાળવ્યા બાદ પેવર બ્લોક નાખી ફક્ત ૪ પિલ્લર ઊભાં કરી દેવાયા છે. તેમજ ત્યાં રૂપિયા ૩ લાખનો ખર્ચ કરી આ સ્મશાન બનાવ્યું હોવાની તક્તી મારી દેવાઈ છે. ત્યારે સામાન્ય નાગરિકોને મૂર્ખ ગણતાં આ ભ્રષ્ટાચારીઓ સામાન્ય જ્ઞાનમાં ક્યાંક થાપ ખાઈ ગયાં હોવાનું જણાઈ રહ્યું છે. કારણ કે ૪ પિલ્લર અને તેની પર નાખેલી પતરાંની શેડ સહિત પેવર બ્લોક ફક્ત ૫૦,૦૦૦ રૂપિયાની અંદર જ બનાવી શકાય તેવો સામાન્ય અંદાજ પ્રજાજનોને આવી જતાં ગણગણાટ શરૂ થયો છે.

આ સ્મશાનના કામમાં અંદાજિત ૨.૫૦ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ છે. સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટોના નાણાંનો આ પ્રકારનો દૂરઉપયોગ અને તેમાં થતી ગેરરીતિ અંગે તપાસ કરવા સ્થાનિક સામાજિક કાર્યકર્તા નવઘણભાઈ ભોઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં તેમણે આ સંદર્ભે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે માગ કરી છે. તેમજ અરજદારે આ સંદર્ભે આરટીઆઈ કરી બિલો અને વાઉચરો માગ્યા છે, પરંતુ પંચાયત દ્વારા તેમને આ સંદર્ભની માહિતી પણ આપવામાં આવતી નથી.

જેટલું કામ થયું છે, તેટલાં જ નાણાં ચૂકવાયા છે : ડેપ્યૂટી સરપંચ

આ સંદર્ભે નિસરાયા ગામના ડેપ્યૂટી સરપંચ વિજય રાજનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર કામમાં ગ્રામ પંચાયતે ફક્ત જમીન બતાવવાની હતી. તાલુકા પંચાયતની એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું છે. તેમજ જેટલું કામ થયું છે. તેટલાં નાણાં ચૂકવાયા છે. કેટલીક અડચણોને કારણે કામ અધૂરું કરવામાં આવ્યું છે.

ત્રણ લાખની લગાવેલી તક્તી તાલુકા પંચાયતની ભૂલ!

ડેપ્યૂટી સરપંચને કામના સ્થળે લગાવેલી ૩ લાખની તક્તી સંદર્ભે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયત દ્વારા કોઈ ભૂલ થઈ હશે, ત્યાં વાત કરો તેઓ સુધારી દેશે.

પ્રથમ બિલ પેટે ૧.૮૮ લાખ ચૂકવાયા!: ટીડીઓ

આ સમગ્ર બાબતે અરજદાર દ્વારા તાલુકા પંચાયતને કરેલી ફરિયાદમાં કાર્યવાહી કરવાને બદલે ટીડીઓ દ્વારા ફરિયાદીને જવાબ આપવામાં આવ્યો છે. ટીડીઓએ જણાવ્યું છે કે, આ કામમાં બિલ પેટે ૧,૮૮,૨૮૩ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ સંદર્ભે તેમનાં દ્વારા કોઈ તપાસ કે અન્ય કાર્યવાહી કરાઈ નથી, જેથી આ સમગ્ર કૌભાંડમાં તાલુકા વિકાસ કચેરીના જ અધિકારીઓ સંડોવાયેલા છે કે કેમ? તે સંદર્ભે નગરજનોમાં સવાલ ઊઠ્‌યો છે.