બાલાસિનોર : કોરોના મહામારીએ વેપાર-ધંધાને તો વ્યાપક નુકસાન કર્યું જ છ, પણ હવે તેનીે સીધી અસર વેરાની વસૂલાત પર પડી છે! વેરો વસૂલાતને મોટો માર પડ્યો છે. બાલાસિનોર નગરપાલિકાનો ૬.૬૫ કરોડ રૂપિયાની આસપાસ વેરો બાકી છે, પણ હાલ સુધી ૯૦.૫૮ લાખ રૂપિયાનો વેરો માંડ વસૂલાયો છે! વેરાની વસૂલાતનો ટાર્ગેટ પૂરો કરવા તંત્ર ઊંધે માથે થયું છે! ગત એપ્રિલ માસથી પાલિકાનું નવું વેરાવળ શરૂ થયું હતું, પણ એપ્રિલ માસથી કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો હતો. લોકડાઉન અને ત્યારબાદ પણ વેપાર-ધંધાની ગાડી માંડ માંડ પાટા પર ચડી રહી હોવાથી પાલિકાને કરવેરાની આવકમાં આ વર્ષે મુશ્કેલીઓ ઊભી થઈ છે. ખાસ કરીને લોકડાઉનમાં સરકારી કચેરીઓ પણ ૩ માસ સુધી બંધ રહી હતી, જેનાં કારણે વેરા વસૂલાતની આવક નહિવત થઇ શકી છે. નગરપાલિકાનું નવું નાણાકીય વર્ષ શરૂ થયાંને નવ માસ જેટલો સમય નીકળી ગયો છે. વર્ષ પૂરું થવાને હવે ત્રણ માસ જેટલો સમય બાકી હોવા છતાં વેરા વસૂલાતની કામગીરીનો ટાર્ગેટ પૂરો થઈ શકે તેમ નહીં હોવાથી બાલાસિનોર નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલે વેરા વસૂલાત ટીમને સાથે રાખી બાકીદારોનું લિસ્ટ બનાવ્યું હતું. વેરા વસૂલાતની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી સ્થળ ઉપર જ વેરા વસૂલાત કરવામાં આવી રહી છે. છેલ્લાં બે દિવસમાં રૂ.૩.૪૦ લાખ વેરો વસૂલવામાં આવ્યો છે, તો બીજી તરફ વેરો ન ભરનાર ૪ દુકાનો સીલ કરી દેવામાં આવી છે. 

ક્યા ક્યા વિસ્તારમાં દુકાનો સીલ કરવામાં આવી?

બાલાસિનોર નગરપાલિકાનો વેરો ભરવાનો બાકી હોય તેવા દુકાનદારો પાસેથી વેરો ભરપાઈ કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા હાથ ધરવામાં આવેલી ઝૂંબેશમાં નગરના રાજપુરી દરવાજા, જૂનાં બસ સ્ટેન્ડ, નગરપાલિકા ભવન અને નિશાળ ચોક પાસેની દુકાનો સીલ કરી દેવામાં આવી હતી.

બાલાસિનોર પાલિકાના બાકીદારોમાં ફફડાટ

છેલ્લા બે દિવસમાં બાલાસિનોર નગરપાલિકા દ્વારા વેરો ન ભરતાં વેપારીઓની ચાર દુકાનો સીલ કરાતાં બીજા અન્ય વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.