પોરબંદર-

જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શનિવારે સવારે 9 વાગ્યાથી જિલ્લા કલેકટર એન.એમ. મોદી દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશ મોરી સહિત જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિકારી સહિત તમામ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદી પર્વની ઉજવણી સમયે જિલ્લા કલેકટર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, આપણી સામે સૌથી મોટો પડકાર કોરોનાનો છે. આ કપરા સમયમાં સરકારે ઇકોનોમી પુનઃ વેગવંતી કરવા વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. તેના અસરકારક અમલ માટે ટીમ પોરબંદર કટિબદ્ધ છે. સુરખાબી પોરબંદરના નગરજનો માટે પ્રવાસન વિભાગ દ્વારા 40 કરોડથી વધુના ખર્ચે જળાશયના કિનારે રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારી ઉદ્યોગ પ્રગતિ કરે તથા બોટ માલિકોને વધુ આર્થિક લાભ મળે તે હેતુથી સરકાર દ્વારા જિલ્લાના બોટ માલિકોને વર્ષ 2020માં ડીઝલ સેલ ટેક્સ રિફંડ પેટે રૂપિયા 35 કરોડ 80 લાખથી વધુ રકમનું ચૂકવણું કરાયું છે. blue revolution સ્કીમ અંતર્ગત ડીપ સી. ફિશિંગ બોટ બનાવવાની યોજના અને 10 જેટલા બોટ માલિકોને બે કરોડ 46 લાખની સહાય આપવામાં આવી છે.