વડોદરા : સયાજીગંજ વિસ્તારમાં આવેલી મનુભાઇ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીના જન્મદિનની ઉજવણી પ્રસંગે કોવિડ-૧૯ ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતાં ચર્ચાનો વિષય બન્યો છે. જન્મદિવસની ઉજવણીમાં કોઈએ માસ્ક પહેર્યુ નહોતુ અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું. સોશિયલ મીડિયા પર બર્થડે સેલિબ્રેશનના ફોટા અપલોડ કરાતા સયાજીગંજ પોલીસે શહેર ભાજપના નવનિયુક્ત મહામંત્રી સહીત ૪ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે. કોરોના બીજા તબક્કામાં પ્રવેશ થતાં વડોદરા સહીત રાજ્યના ૪ મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્‌યૂના આદેશ આપવામાં આવ્યા છે. આટલી ભયંકર મહામારીમાં પણ નેતાઓ કોરોનાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા નજરે પડી રહ્યા છે.

પૂર્વ મેયર અને તાજેતરમાં શહેર ભાજપ મહામંત્રી તરીકે નિયુક્ત થયેલા સુનિલ સોલંકીએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. જેની તસવીરો સામે આવી છે. મનુભાઇ ટાવર ભાજપ કાર્યલય નીચે જ પોતાના જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ છે. સુનિલ સોલંકીએ માસ્ક પહેર્યા વગર કાર્યકર્તાઓ સાથે કેક કાપીને ઉજવણી કરી હતી.

ચિંતાની બાબત એ છે કે ખુદ સુનિલ સોલંકી પોતે માસ્ક વગર નજરે ચડ્યા હતા. આ અંગે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે સોશિયલ મીડિયા પર કાર્યકરોને નિયમોનું પાલન કરવા ટકોર કરી હતી. જ્યારે, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી તસ્વીરોને આધારે સયાજીગંજ પોલીસે સુનિલ સોલંકી, લકધીરસિંહ ઝાલા સહીત કુલ ૪ લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોટા માથાઓને છોડીને પોલીસે છ કાર્યકર્તાઓની ધરપકડ કરી

માસ્ક વગર જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સીન્ગના ધજાગરા ઉડાવીને બર્થ ડે ઉજવનાર શહેર ભાજપના નવનિયુક્ત મહામંત્રી સુનિલ સોલંકી સહીત લકધીરસિંહ ઝાલા, પ્રતીક પંડ્યા તેમજ મિનેષ પંડ્યા વિરુદ્ધ સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે, ધરપકડ કરવાની વાત આવતા જ પોલીસે મોટા માથાઓને છોડીને પાયાના કાર્યકર્તાઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. સયાજીગંજ પોલીસે નોંધેલા ગુના અંતર્ગત આજે મોડીસાંજે બર્થ ડે સેલિબ્રેશનમાં હાજર હિરેન ચોક્સી, પ્રતીક પંડ્યા, મહેશ વસાવા, પ્રદીપ રાવત તેમજ રવિન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ કરી હતી. જોકે, સુનિલ સોલંકી અને લકધીરસિંહ ઝાલા ભાજપમાં સારો એવો હોદ્દો ધરાવતા હોવાથી તેઓની ધરપકડ ન કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસના આ પ્રકારના વલણથી સામાન્ય લોકો અને રાજકારણીઓ વચ્ચે નિયમોના અમલીકરણ કરાવવા બાબતે પોલીસની કામગીરી પર પણ શંકાના વાદળો ઉપજ્યા છે.