વડોદરા, તા.૧૭

વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબકયો હતો. ૭૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે એક કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ ખાબકતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં પાલિકાના પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. વાવાઝોડા સાથે વરસાદને પગલે વુડા સર્કલ ખાતે ગેન્ટ્રીગેટ તૂટી પડતાં ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સદ્‌નસીબે કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ એક કાર દબાઈ જતાં નુકસાન થયું હતું. આ ઉપરાંત ૮૦ જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં.

શહેરમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જાેરદાર પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગત રાત્રે ઝાપટું વરસ્યા બાદ આજે બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબકતાં બહાર કામ અર્થે નીકળેલા લોકો અટવાઈ ગયા હતા. ૭૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે એક કલાકમાં ૩૫ મિ.મી. એટલે કે દોઢ ઈંચ વરસાદ ખાબકતાં શહેરના રાવપુરા રોડ, માંડવી રોડ, દાંડિયા બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં પાલિકાના પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

વાવાઝોડા સાથે થયેલા વરસાદમાં ફતેગંજ વુડા સર્કલ પાસે લગાડવામાં આવેલ દિશાસૂચક મસમોટો ગેન્ટ્રીગેટ તૂટી પડતાં મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. રોડની બંને તરફનો ગેન્ટ્રીગેટ સ્ટ્રકચર સાથે ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. સદ્‌નસીબે કોઈને ઈજા થવા પામી ન હતી. પરંતુ એક કાર દબાઈ ગઈ હતી જેને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત સોમા તળાવથી પ્રતાપનગર જતા રોડ પર પણ ગેન્ટ્રીગેટ નમી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા વુડા સર્કલ પાસે ક્રેઈનની મદદથી ધરાશાયી થયેલા ગેન્ટ્રીગેટને દૂર કરીને વાહનવ્યવહાર શરૂ કરાવ્યો હતો.

આ ઉપરાંત વાવાઝોડા સાથે વરસાદ દરમિયાન અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ હોર્ડિંગ્સ પણ તૂટી પડયા હતા. આમ પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાતાં પાલિકાના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. જાે કે, એક કલાક ધોધમાર વરસાદ બાદ મેઘરાજાએ વિરામ પાળતાં પાણી ઉતરી ગયાં હતાં. બીજી તરફ વરસાદથી ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી.

ચાર દરવાજા વિસ્તારમાં દુકાનમાં પાણી ઘૂસી ગયાં

વડોદરા. વાવાઝોડા સાથે ખાબકેલા દોઢ ઈંચ વરસાદમાં માંડવી રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં. આ ઉપરાંત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો પરેશાન થયા હતા. ચાર દરવાજા વિસ્તારમાં તો કેટલાક સ્થળે વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જતાં વેપારીઓ પરેશાન થયા હતા

ગેન્ટ્રીગેટ ધરાશાયી થતાં ઈજારદારને નોટિસ આપી દંડ ફટકારાશે ઃ અગાઉ પણ સ્ટ્રકચર સંદર્ભે નોટિસ અપાઈ હતી

વાવાઝોડાન સાથે ખાબકેલા વરસાદમાં ફતેગંજ વુડા સર્કલ પાસે દિશાસૂચક બોર્ડ, ગેન્ટ્રીગેટ સ્ટ્રકચર સાથે ધરાશાયી થયું હતું. સતત ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર રોડની બંને તરફનો ગેન્ટ્રીગેટ ધરાશાયી થયો હતો. સદ્‌નસીબે કોઈને ઈજા પહોંચી ન હતી. ઉલ્લેખનીય છે કે એક મહિના પૂર્વે તાઉ-તે વાવાઝોડાની આગાહી વખતે જાંબુઆ ખાતે ગેન્ટ્રીગેટ તૂટી પડતાં બાઈકસવાર બે યુવાનોને ઈજા પહોંચીહ તી. તે સમયે પણ ગેન્ટ્રીગેટના ઈજારદાર રવિ કોમ્યુનિકેશનને તાકીદ કરી સ્ટ્રકચર સ્ટેબિલિટી સંદર્ભે સૂચના આપી હતી. દરમિયાન વુડા સર્કલ પાસે ગેન્ટ્રીગેટ ખાબકતાં સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે, ઈજારદારને નોટિસ આપીને દંડ કરાશે. ઉપરાંત પાલિકાના ટ્રાફિક વિભાગના એન્જિનિયરને તમામ ગેન્ટ્રીગેટના સ્ટ્રકચરની ચકાસણી કરીને અઠવાડિયામાં રિપોર્ટ સુપરત કરવાની સૂચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ૬૧ ગેન્ટ્રીગેટ લગાડવામાં આવ્યા છે.

વીઆઈપી રોડ સ્થિત સહયોગનગરમાં ભેંસને કરંટ લાગતાં મોત

વડોદરા, તા.૧૭

વડોદરા શહેરમાં ગત મોડી રાતથી શરૂ થયેલા વરસાદના વિરામ બાદ આજે સવારે એકાએક વરસાદના વાદળાંની ફોજ આવી પહોંચતાં જાેરવાર પવન સાથે બપોરના સમયે વરસાદ શહેરમાં તૂટી પડયો હતો. જેમાં જીઈબીના કર્મચારીઓના મેઈન્ટેનન્સની પોલ ખૂલ્લી પડીહ તી. વરસતા વરસાદમાં આશરો શોધવા માટે દોડેલી ભેંસને ઈલેકટ્રીક થાંભલાનો કરંટ લાગતાં મોતને ભેટી હતી.

આજે બપોરના સમયે જાેરદાર પવન સાથે ખાબકેલા વરસાદમાં શહેરના વીઆઈપી રોડ પર આવેલ જલારામનગરની પાછળ સહયોગનગરમાં વરસાદને કારણે દોડતી જતી ભેંસ ઈલેકટ્રીક થાંભલા પરથી વરસાદમાં ઉતરતો વીજકરંટ લાગતાં ભેંસ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી. આ બનાવને પગલે જીઈબીના કર્મચારીઓની મેઈન્ટેનન્સની પોલમ્‌પોલ ખૂલ્લ્‌ી પડી હતી. જાે આ જ બનાવ કોઈ વ્યક્તિ સાથે બન્યો હોત તો એ માટે જવાબદાર કોણ એ સ્થાનિકોમાં અને સામાજિક કાર્યકરે કમલેશ પરમારે સવાલ ઊઠાવ્યો હતો.

વાવાઝોડાને કારણે ૨૦૦થી વધુ વૃક્ષ ધરાશાયી ઃ કોઇ જાનહાનિ નહીં

વડોદરા ઃ શહેરમાં અચાનક વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે સામાન્ય જનજીવન પર અસર પડી હતી.બપોરના ૧૭ કિલોમીટરની ઝડપે ફુકાયેલા પવનને કારણે શહેરમાં ગણતરીના કલાકોમાં જ ૨૦૦ જેટલા ઝાડ ધરાશાયી થયા હતા.જેમાં કેટલાક વિસ્તારમાં ઝાડ નીચે કાર તેમજ અન્ય વાહનો આવી જતા નુકસાન થયું હતુ.આ ઝાડ પડવાના કોલને કારણે ફાયર બ્રિગેડની જુદી જુદી ટીમ વિવિધ વિસ્તારમાં જઇને ઝાડ કાપવાની તેમજ રોડ ખુલ્લો કરવાનીકામગીર કરવામાં આવી હતી.જાે કે આ બનાવમાં કોઇ જાનહાનિના કોઇ અહેવાલ નથી.જયારે વીજ થાંભલા પડવાને કારણે વિસ્તારોમાં લાઇડો ડૂલ થઇ ગઇ હતી.કપુરાઇ પાસે જાેરદાર પવનને કારણે મુસાફરો ભરેલી રિક્ષા પલ્ટી જતા પોલીસ તેમજ રહીશો દોડી જઇ મુસાફરોને બહાર કાઢી રિક્ષા ઉભી કરી હતી.તેવી જ રીતે જીઆઇડીસી વિસ્તારમાં પણ સો મીલમાંથી લાકડા લઇને જતો ટેમ્પો પણ જાેરદાર પવનને કારણે પલ્ટી ગયો હતો.આ બંને ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી.