વડોદરા : ભારે ચકચારી બનેલા ફતેગંજ પોલીસ મથકમાં થયેલી હત્યાના પ્રકરણમાં હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા આરોપી પીઆઈ બી.ડી.ગોહિલે કરેલી અરજી પાછી ખેંચવાની ફરજ પડી છે. લાંબા સમયથી ભાગેડુ રહેલા પીઆઈએ હાઈકોર્ટમાં જસ્ટિસ એ.સી.જાેશીની કોર્ટમાં વડોદરા પોલીસની એફઆઈઆર રદ કરવાની અરજી કરી હતી. ગત ડિસેમ્બર માસમાં ફતેગંજ પોલીસ મથકે પૂછપરછ માટે લવાયેલા શેખ બાબુ ગુમ થયા બાદ લાંબા સમય સુધી કોઈ ભાળ નહીં મળતાં એમના પુત્ર સલીમ શેખે હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હતી, જેની વડીઅદાલતે ગંભીર નોંધ લેતાં વડોદરા પોલીસ સામે કડક વલણ દાખવ્યું હતું. જેના પગલે વડોદરા પોલીસે પીઆઈ બી.ડી.ગોહિલ, પીએસઆઈ રબારી તેમજ ચાર જવાનો સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધ્યો હતો. આ અંગે ભોગ બનેલા પરિવારના વકીલે હાઈકોર્ટનું ધ્યાન દોરતાં વડીઅદાલતે આ મામલામાં હત્યાની કલમ ૩૦૨ દાખલ કરવા માટેનો આદેશ કર્યો હતો. જેના પગલે પોલીસે પીઆઈ, પીએસઆઈ સહિત ચાર જવાનો સામે ૩૦૨ કલમ એફઆઈઆરમાં દાખલ કરી હતી. અગાઉની એફઆઈઆર નોંધાઈ ત્યારથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા આ છ આરોપીઓને શોધવામાં શહેર પોલીસ નિષ્ફળ રહેતાં અંતે આ મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ હતી.  દરમિયાન આરોપી બી.ડી.ગોહિલે હાઈકોર્ટમાં વડોદરા પોલીસની એફઆઈઆર રદ કરવા જસ્ટિસ એ.જે.જાેશીની કોર્ટમાં અરજી કરતાં જસ્ટિસે અરજી અંગે નોટ બી ફોર મી નો આદેશ કરતાં અંતે આરોપી પીઆઈ ગોહિલને અરજી પરત ખેંચવાની ફરજ પડી હતી.