વડોદરા, તા.૨૩ 

શહેરના સંવેદનશીલ ફતેપુરા ખારીતલાવડી અને વારસિયા વિસ્તારમાં આજે સવારે ૭ ગાયોના ભેદી સંજાેગોમાં મોત નીપજતા ચકચાર મચી છે. એક તબક્કે ગાયોને ઝેરી પદાર્થ ખવડાવીને તેઓની હત્યા કરાઈ હોવાની વાત ફેલાતા આ વિસ્તારના હિન્દુઓમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો. આ બનાવની વારસિયા પોલીસને જાણ કરાતા પોલીસે મૃત ગાયોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

ફતેપુરા ખારી તલાવડી વિસ્તારમાં મેલડીમાતા મંદિર પાસે રહેતા મુકેશભાઈ ગુલાભાઈ ભરવાડ પશુપાલનનો વ્યવસાય કરે છે. ગઈ કાલે તેમની ત્રણ ગાય ચરવા માટે ગયા બાદ સાંજે પરત ફરી નહોંતી અને આજે સવારે તેમને જાણ થઈ હતી કે વારસિયા વીમા દવાખાના પાસે ત્રણેક ગાય મૃત હાલતમાં પડી છે.

તેમણે તુરંત તપાસ કરતા પોતાની બે ગાય મૃત હાલતમાં તેમજ એક ગાય દર્દથી કણસતી મળી હતી જેથી તેમણે બંને ગાયનો ગાજરાવાડી સ્લોટર હાઉસમાં અને એક ગાયને સારવાર માટે મોકલી આપી હતી. દરમિયાન આ વિસ્તારમાં આજે સાંજ સુધી વધુ પાંચ ગાય સહિત કુલ ૭ ગાયના ભેદી સંજાેગોમાં મોત નીપજયા હતા. ગઈ કાલે ઓટોરિક્ષામાં આવેલા ચાર અજાણ્યા ઈસમોએ કોઈ ઝેરી પદાર્થ રોડ પર મુક્યો હતો અને તે ખાવાના કારણે સાત ગાયના મોત થયાની વાતે ગોપાલકો સહિત અન્ય હિન્દુ શ્રધ્ધાળુઓમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. હાલમાં શ્રાવણ માસમાં તહેવારો ટાણે કોમી લાગણી દુભાવવાનો પ્રયાસ થયાની આક્ષેપોથી વારસિયા પોલીસ દોડતી થઈ હતી અને પોલીસે મુકેશભાઈ ભરવાડની ફરિયાદના પગલે જાણવાજાેગ નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે ઝોન-૪ના ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે ગાયોના પોસ્ટમોર્ટમમાં ઝેરી પદાર્થ ખાવાથી મોતની પ્રાથમિક વિગતો છે પરંતું કોઈએ ઝેરી પદાર્થ ખવડાવ્યાની વાતને હજુ સમર્થન મળ્યું નથી. તંત્ર દ્વારાછાંટવામાં આવેલી ઝેરી દવાવાળી કોઈ ચીજ ખાવાથી ગાયના મોત થયા હશે. જાેકે પોલીસે જાણવાજાેગ લઈ તપાસ ચાલુ કરી છે અને ગાયના વિસેરા તપાસ માટે મોકલાયા છે.