ઇસ્લામાબાદ-

કટ્ટરપંથી દેશ પાકિસ્તાનમાં હિન્દુઓને અને એમના ધાર્મિક સ્થળો પર થઇ રહલા હુમલામાં સતત વધારો થઇ રહ્યો છે. હવે લઘુમતી સમુદાયની યુવતીઓના ધર્મ પરિવર્તન માટે બદનામ સિંધ પ્રદેશમાં જન્માષ્ટમીની પૂજા કરી રહેલા લઘુમતી હિન્દુઓ પર કટ્ટરપંથીઓએ હુમલો કર્યો છે. તેમણે પૂજા કરી રહેલા લોકોને માર માર્યો અને મૂર્તિ પણ ખંડિત કરી દીધી છે. આ ઘટનાની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સમગ્ર ઘટનાને પાકિસ્તાનના એક્ટિવિસ્ટે દુનિયા સામે ઉજાગર કરી છે. કટ્ટરપંથીઓની કરતૂત પર એનજીઓ ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન ધ રાઇઝ ન્યૂઝની એડિટર અને પત્રકાર વીંગાસે ટ્‌વીટ કરી હતી કે સિંધના ખિપ્રોમાં જન્માષ્ટમી પર કેટલાક લોકોએ તોડફોડ કરી, શું એમને સજા મળશે? પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓ અને મંદિરો પર હુમલા થતાં રહે છે. આ પહેલા જુલાઇમાં પંજાબમાં સ્થિત ગણેશજીના મંદિરમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હતી. પાકિસ્તાનના સિંધમાં લઘુમતી હિન્દુઓ સહિત બૌદ્ધ, જૈન, સિખ, ઇસાઇ લોકો પર પણ હુમલાનું પ્રમાણ વધુ છે. અહીંના લઘુમતી સમુદાયની છોકરીઓનું અપહરણ કરી બળજબરીથી ધર્મપરવર્તન કરવા અને નિકાહ કરાવી દેવાના લાખો કિસ્સા સામે આવી ચૂક્યા છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં દર વર્ષે ૧૦૦૦થી વધુ ઇસાઇ અને હિન્દુ મહિલાઓ, કિશોરીઓ અને યુવતીઓનું અપહરણ કરી ધર્મપરિવર્તન કરી દેવામાં આવે છે. જેમાં મોટાભાગની છોકરીઓની ઉંમર ૧૨થી ૨૫ વર્ષની હોય છે. અહીંના માનવાધિકાર સંસ્થાના રિપોર્ટ મુજબ, દર વર્ષે હજારો પાકિસ્તાની લઘુમતી સમૂદાયની યુવતી-કિશોરીઓનું અપહરણ કરી ધર્મપરિવર્તન કરાવીને અપહરણ કર્તા સાથે નિકાહ કરાવી દેવામાં આવે છે. આ કેસમાં પ્રશાસન પણ બેદકારી દાખવતું હોવાને લીધે પીડિત પરિવારને ન્યાય નથી મળતો.