વડોદરા: ફતેગંજ પોલીસ મથકમાં જ થયેલી હત્યા પ્રકરણના આરોપીઓ જેમાં પીઆઈ, પીએસઆઈ, ચાર પોલીસ કોન્સ્ટેબલ સહિતના ૧૧ દિવસના રિમાન્ડ પૂરા થતાં અદાલત સમક્ષ રજૂ કરાયા હતા. કોર્ટે તમામને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. આટલા લાંબા સમયના રિમાન્ડ છતાં સીઆઈડી ક્રાઈમ શેખ બાબુના મૃતદેહના સગડ મેળવી શકી નથી ત્યારે આજે અદાલત સમક્ષ આરોપીઓની પૂછપરછ દરમિયાન સહકાર નહીં આપતા હોવાનું જણાવી વધુ ચાર દિવસના રિમાન્ડની માગ કરી હતી જે નામંજૂર થઈ હતી. 

જાે કે, સીઆઈડીએ હવે તમામ આરોપીઓના નાર્કોટેસ્ટ માટેની જરૂરી મંજૂરી માટેની કાર્યવાહી હાથ ધરી છે અને એમાં સફળતા મળશે એવો આશાાવદ વ્યક્ત કર્યો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે પોલીસ ધારે તો ભલભલા ગુનેગારો પાસેથી કબૂલાત કરાવી શકે છે, પરંતુ આ મામલામાં ખુદ પોલીસ જ આરોપીઓ હોવાથી સીઆઈડીની કાર્યવાહી સામે જ સવાલો ઊભા થયા છે. આજે રીમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા અને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે વધુ ચાર દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ વડોદરા કોર્ટે આ રિમાન્ડ નામંજૂર કરતાં આ તમામે તમામ છ આરોપીઓને વડોદરા ખાતેની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. હવે પિતાનો મૃતદેહને શોધવા માટે દેશની સર્વોચ્ચ ગણાતી સીબીઆઈ તપાસની માગ હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવશે તેમ પુત્ર સલીમ શેખે જણાવ્યું હતું.