કેટલાક દેશો એવા પણ છે કે જ્યાં કોરોનાના દર્દીઓ અને મૃતકોની સંખ્યા ખુબ ઓછી છે. કેટલાક દેશો તો એવા પણ છે જ્યાં વિટામીન-ડીના કારણે કોરોના નબળો પડી ગયો. એમ પણ કહી શકાય કે કોરના વાયરસના કારણે વધુ નુકસાન ન થયું. જે દેશોમાં વિટામીન-ડીની કમી હતી ત્યાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધેલા જોવા મળ્યાં.

આ જાણકારી યુરોપીય વૈજ્ઞાનિકોની એક ટીમના રિસર્ચ બાદ સામે આવી છે. તેનો રિપોર્ટ આયરિશ મેડિકલ જર્નલમાં છપાયો છે. આ ટીમના વૈજ્ઞાનિકોનો દાવો છે કે એવા યુરોપીય દેશ કોરોના વાયરસની ઝપેટમાં વધુ આવ્યાં જ્યાં લોકોમાં વિટામીન-ડીની ઉણપ હતી. વિટામીન-ડીની ઉણપવાળા યુરોપીયન દેશો છે સ્પેન, ફ્રાન્સ, ઈટાલી અને બ્રિટન. જ્યારે ડેનમાર્ક, ફિનલેન્ડ, સ્વીડન એવા દેશ છે કે જ્યાં વિટામીન-ડી લોકોનું કવચ બની ગયું. આ વિટામીનના કારણે કોરોના વાયરસનું સંક્રમણ ઘટ્યું અને લોકો ઓછા બીમાર પડ્યાં. આ દેશોમાં વધુ મૃત્યુ પણ ન થયાં. કારણ કે અહીંના લોકોના શરીરમાં વિટામીન ડીનું પ્રમાણ સારું છે.  

આ બાજુ અમેરિકા, ભારત અને ચીનના લોકોમાં પણ વિટામીન-ડીની ભારે ઉણપ જોવા મળતી હોય છે. આથી આ દેશોમાં કોરોનાના કારણે લાખો લોકો બીમાર થયા અને મૃત્યુઆંક પણ વધ્યો. વિટામીન-ડીની કમીવાળા આ દેશોમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાયો. વૈજ્ઞાનિકોએ આ યુરોપીય દેશોના લોકોના શરીરમાં વિટામીન-ડીનો અભ્યાસ કરવા માટે 1999થી ડાટા કાઢીને તેનું એનાલિસિસ કર્યું.