વડોદરા, તા.૧૬

અજબડી મીલ ઠેકરનાથ સ્મશાન પાસે આવેલ વસાહતમાં આવેલા પતરાના શેડવાડા ગેસ સિલિન્ડરોના ગોડાઉનમાં સાંજના સમયે સિલિન્ડરોના બ્લાસ્ટ થયા હતા અને બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા વિસ્તારના લોકોમાં નાસભાગ મચી હતી. બનાવની જાણ કરાતા પાણીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનેથી ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને વિકરાળ સ્વરૂપ ધારણ કરેલી આગને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. જાે કે સ્થળ પર અનેક ગેસના બોટલો તેમજ ગેસ બોટલ ભરેલો ટેમ્પો પણ પડેલો હોઈ ભારે જહેમતે તમામ ગેસ બોટલોને સલામત સ્થળે ખસેડયા હતા. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ ગેસનું આ ગોડાઉન ગેરકાયદે ધમધમતુ હોવાની શકયતા છે. કારણ કે પતરાના શેડમાં ગોડાઉનને પરવાનગી હોય નહીં સ્થળ પર ત્રણથી ચાર બોટલો બ્લાસ્ટ થઈને સ્થળ પર પડયા હતા. ઉપરાંત ઈન્ડિયન ગેસના સિલિન્ડ ભરેલો ટેમ્પો પણ પડેલો મળી આવ્યો હતો.પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ આ સ્થળે ગેસ સિલિન્ડરનું કોઈ કાયદેસરનું ગોડાઉન હોય તેવી માહિતી અમારી પાસે નથી સિલિન્ડરના ગોડાઉનમાં ફાયર સેફટીના જરૂરી સાધનો, સ્થળ પર જાેવા મળ્યા નથી. જેના પગલે આ ગોડાઉનને સીલ મારવાની કાર્યવાહી કરાશે. ઉપરાંત વીજ જાેડાણ કાંપવા વીજ કંપનીને જાણ કરાશે.

૫ાસામાં જતાં ભાઈએ બોટલોમાંથી ગેસચોરી શરૂ કરી

ગેસના બોટલોમાંથી ગેસ ચોરવાની અસંખ્ય ફરિયાદો છતાં પુરવઠા ખાતુ ઉઘતુ રહે છે. ગેસ રીફીલીંગ કરવાના આ ગેરકાયદેસર ગોડાઉનના માલીકના ભાઈને પી.સી.બી.એ બે મહીના અગાઉ ઝડપી પાસા હેઠળ રવાના કર્યો હતો. ત્યારે એના ભાઈએ જગ્યા બદલી ગેસ ચોરવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. પાણીગેટ પોલીસે આ મામલે પ્રાથમિક માહિતી ભેગી કરી મોડીસાંજે ફરીયાદની કાર્યવાહી હાથ ધરી હતી.