વડોદરા, તા.૩

વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં આજે સવારે ગેસના સ્ટવ પર ચા બનાવતી વેળા ગેસ બુઝાઈ જતાં ગેસના સ્ટવનું બટન ચાલુ રહી જતાં ગેસ લીકેજ થવાથી ઘરમાં ફેલાઈ ગયો હતો. પાણી ગરમ કરવા સ્ટવ સળગાવવા જતાં અચાનક ધડાકા સાથે આગ ભભૂકી ઊઠી હતી. જેમાં ઘરમાં હાજર એક ત્રણ વર્ષના બાળક સહિત ત્રણ જણા ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ટીવી, ફ્રીજ સહિત લાકડાંનો સરસામાન સળગી જતાં નુકસાન થવા પામ્યું હતું.

આ અંગે મળતી વિગત અનુસાર શહેરના ગાજરાવાડી વિસ્તારના ગોમતીપુરામાં વિક્કીભાઈ પટેલ તેમના પત્ની જ્યોતિબેન પટેલ (ઉં.વ.ર૩) અને પુત્ર રૂતાંશ (ઉં.વ.૩) પરિવાર સાથે રહે છે. આજે સવારે રાબેતા મુજબ જ્યોતિબેને ગેસ સળગાવીને ચા મૂક્યા બાદ ગેસ બુઝાઈ જતાં ગેસનું બટન બંધ કર્યા વગર જ ભગવાનના દીવા-પૂજા કરવામાં વ્યસ્ત હતાં. બીજી તરફ ગેસના સ્ટવનું બટન ચાલુ રહી જતાં જેમાંથી ગેસ લીકેજ થઈ ગયો હતો. સવારે આઠ વાગ્યાની આસપાસ પાણી ગરમ કરવા માટે જ્યોતિબેને ગેસ સ્ટવ ચાલુ કરવા જતાં અચાનક મોટો ભડકો થયો હતો અને ફેલાઈ ગયેલા ગેસના કારણે મોટી આગ ભભૂકી ઊઠી હતી. ઘરમાં હાજર ત્રણ વર્ષીય બાળક, જ્યોતિબેન અને તેમના પતિ તેમજ લગ્ન પ્રસંગની કંકોતરી આપવા માટે આવેલ ભારતીબેન રાજેશભાઈ લીમ્બાચિયા નામની મહિલા સહિત તમામ દાઝી ગયાં હતાં. આ બનાવને પગલે બૂમાબૂમ કરી મૂકતાં આડોશપાડોશના લોકો દોડી આવ્યા હતા અને દાઝી ગયેલાઓને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તમામની હાલત નાજુક હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.