ગાંધીનગર, પંજાબ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને ગઈકાલે ઇરાદાપૂર્વક અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. તેના વિરોધમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યપાલને મળીને આવેદન પત્ર આપીને પંજાબ સરકારનું રાજીનામું માંગવામાં આવ્યું હતું. આ આવેદન પત્ર દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, વડાપ્રધાનના કાફલાને પંજાબના ફિરોજપુર ખાતે કોંગ્રેસના ઈશારે ઈરાદાપૂર્વક રોકવાનો પ્રયાસ કરાયો હતો. આવું કૃત્ય કરીને વડાપ્રધાનની સલામતી સાથે ચેડા કરવાનું કાવતરું પંજાબની સરકાર દ્વારા કરાયું હતું. વડાપ્રધાનની સુરક્ષામાં બેદરકારી બદલ પંજાબના મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. આ વેળાએ પ્રદેશના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ, રાજયના મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદો નરહરી અમીન, હસમુખ પટેલ, પ્રદેશ મંત્રી મહેશ કસવાલા, સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા.