વડોદરા -

રેલવે સ્ટેશન પાસેની સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ અમદાવાદ ખાતે પોતાના પુત્રની કોરોનાની સારવાર કરાવવા ગયેલા તબીબના મકાનને નિશાન બનાવી રૂપિયા ૧.૨૦ લાખની કિંમત ધરાવતા સોનાના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી સવગણ સોસાયટી ખાતે રહેતા અસ્મિતાબેન પરમાર ડભોઇ રોડ પર આવેલી શ્રી જગદીશ હોસ્પિટલમાં મેનેજમેન્ટ તરીકેનું કામ કરે છે અને આજ હોસ્પિટલમાં તેઓના પતિ એમડી અને તબીબ તરીકે ફરજ બજાવે છે. તેઓના ૧૮ વર્ષના દીકરાને કોરોના પોઝિટિવ આવતા તબિયત લથડી હતી. જેથી ગત ત્રીજી ઓક્ટોબરના રોજ તેઓ પોતાના ઘરને તાળું મારી દીકરાની સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ ખાતે ગયા હતા. દરમિયાન ૫મી ઓક્ટોબરના રોજ તેમના મકાનમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. જેથી તેઓ તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા અને તપાસ કરતા મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જણાઈ આવ્યું હતું.

ઘરમાં પ્રવેશેલા અજાણ્યા તસ્કરો સોનાની ચેન, સોનાનું બ્રેસલેટ, સોનાની કડી, સોનાની બંગડી, સોનાની બુટ્ટી, સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી જે તમામ આશરે બે તોલા વજન અને રૂપિયા ૧.૨૦ લાખની કિંમત ધરાવતા દાગીનાની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે તસ્કરો વિદેશી કરન્સીના રોકડા ૫૦૦૦૦ની ચોરી નહીં કરતાં તે સહી સલામત મળી આવ્યા હતા. કોઈ જાણભેદુ દ્વારા જ આ ચોરી કરવામાં આવી હોવાની શંકા સાથે સયાજીગંજ પોલીસમથકે આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને ચોરોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.