ગાંધીનગર, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના ફરી વકર્યો છે, તેવી ચર્ચા સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. ત્યારે આવા સમયમાં રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે આજે એક નિવેદન કરીને કહ્યું હતું કે, જે લોકો મહેનત કરે છે, તેને કોરોના નથી થતો. ભાજપના કાર્યકરોએ મહેનત કરી હતી. તેથી ભાજપના કોઈ કાર્યકરને કોરોના થયો નથી. આજે ધારાસભ્ય ગોવિંદ પટેલને ચૂંટણીના લીધે કોરોના ફેલાવવાના મામલે સવાલ પૂછતાં તેમણે કહ્યું હતું કે, જે લોકો મહેનત અને મજૂરી કરે છે તેમને કોરોના નથી થતો. ભાજપના કાર્યકર્તાએ મહેનત અને મજૂરી કરી છે. એકપણ કાર્યકર્તા આનાથી સંક્રમિત થયો નથી. બેદકારીના કારણે મહામારીનો રોગ વકર્યો છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ખુદ ધારાસભ્ય ગોવિંદ પટેલે પોતે યોગ્ય રીતે માસ્ક પહેર્યું ન હતું. ધારાસભ્ય ગોવિંદ પટેલે નાકથી નીચેથી માસ્ક પહેર્યું હતું. એક તરફ, યોગ્ય માસ્ક ન પહેરવા બદલ સામાન્ય નાગરિકોને દંડ કરવામાં આવે છે. નાકથી જરા પણ નીચે માસ્ક હોય તો પોલીસ દ્વારા નાગરિકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. સામાન્ય જનતાને પોલીસ અને તંત્ર દંડ ફટકારે છે, ત્યારે આવા નેતાઓ પર સરકાર શું પગલાં લેવામાં આવશે કે કેમ? તેવી ચર્ચા પણ સામાન્ય નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.