શ્રીલંકાના ભૂતપૂર્વ રમત મંત્રીએ ૨૦૧૧ની આઇસીસી વર્લ્ડ કપની ભારત સામેની ફાઈનલમાં ફિક્સિંગ થયું હોવાનો આક્ષેપ મૂક્યો હતો, જેના પગલે શ્રીલંકાના રમત મંત્રાલયે શરૃ કરેલી તપાસની સામે વિરોધ થઈ રહ્યો છે. શ્રીલંકાના રમત મંત્રાલયના પોલીસ યુનિટે ૨૦૧૧ના વર્લ્ડ કપમાં શ્રીલંકાની કેપ્ટન્સી સંભાળનારા દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારાની પાંચ કલાકથી વધુ સમય માટે ઉલટતપાસ કરી હતી.

અગાઉ ગઈકાલે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર અરવિંદા ડિ સિલ્વાની છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટ સ્ટાર્સને પોલીસ દ્વારા થઈ રહેલી કનડગત સામે સ્થાનિક ક્રિકેટ ચાહકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. શ્રીલંકાની સામાગી જન બલાવેગાયા પાર્ટીની યુવા પાંખે દેખાવો કર્યા હતા. જ્યારે આ જ પક્ષના વડા પ્રધાનપદના ઊમેદવાર સાજીથ પ્રેમદાસાએ પણ ક્રિકેટરોની તરફેણ કરી હતી.

સંગાકારા અગાઉ શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અરવિંદા ડિ સિલ્વાની પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી શ્રીલંકાના ઓપનર ઊપુલ થારંગાની પણ ઉલટતપાસ કરવામાં આવી હતી. શ્રીલંકામા મેચ ફિક્સિંગ અંગે કડક કાયદો બનાવવામાં આવ્યો છે. નવા કાયદા અનુસાર સરકારે રમત મંત્રાલયને માટે વિશિષ્ટ પોલીસ ફાળવી છે.