વડોદરા, તા.૯

વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહી નદી સ્થિત ફાજલપુર ફ્રેંચ કૂવા ખાતે ડીઝલ જનરેટર સેટ તથા તેને લગતી ઇલેક્ટ્રિકલ કામગીરી આવતીકાલે સવારના સમયે પાણી વિતરણ બાદ હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે આવતિકાલે તા. ૧૦ની સાંજે તથા તા. ૧૧ ની સવારે ૭ ઓવરહેડ પાણી ટાંકી તેમજ ૯ બુસ્ટર હેઠળના વિસ્તારોમાં પાણી નહીં મળે. આમ આવતીકાલે સાંજે અને શુક્રવારે સવારે પાંચ લાખ જેટલા લોકોને પાણી વિના રહેવું પડશે. જ્યારે તા. ૧૧ ના સાંજના ઝોનમાં પણ પાણી ઓછા સમય માટે ઓછા પ્રેસર થી અને નિર્ધારીત સમય કરતા મોડેથી વિતરણ કરાશે.

મહીસાગર સ્થિત પાલિકાના ચાર ફ્રેન્ચ કૂવા પૈકી ફાજલપુર કૂવાથી છાણી ગામ ૨૪ કલાક પાણીની ટાંકી, છાણી ટાંકી, સમા, ટીપી ૧૩, સયાજી બાગ, જેલ અને લાલબાગ પાણીની ટાંકી આમ કુલ ૭ ટાંકી તેમજ નવી ધરતી બુસ્ટર, વિહિકલ બુસ્ટર, વારસિયા, સાધના નગર, બકરાવાડી, જૂની ગઢી, ફતેપુરા અને પરશુરામ બુસ્ટર આમ કુલ ૯ બુસ્ટરના કમાન્ડ વિસ્તારમાં બે દિવસ પાણીનો કકળાટ સર્જાશે. ઉપરાંત નોર્થ હરણી ટાંકી ખાતેથી સાંજના સમયનું પાણી રાજેશ્વર ગોલ્ડ તથા સિદ્ધાર્થ બંગલો તરફના વિસ્તારમાં સાંજે છ વાગે આપવામાં આવે છે. મહી નદીના કિનારા પર આવેલા રાયકા અને દોડકા ફ્રેંચ કૂવા ખાતે વીજ નિગમમાંથી વીજ પૂરવઠો બંધ રહેવાના કારણે તેમજ ચોમાસામાં નદીમાં નવું પાણી આવતા રાયકા દોડકા ફ્રેંચ કૂવાથી પાણી ઓછું મળે છે, પરિણામે આ ટાંકીના અંડરગ્રાઉન્ડ સંપમાં જરૂરી લેવલ ઊભું કરવા અને સાંજના સમયનું પાણી પહોંચાડવામાં મોડું થાય છે. જેથી નોર્થ હરણી ટાંકી ખાતેથી સાંજના સમયનું પાણી વિતરણ આ વિસ્તારમાં સાંજે છ ના બદલે હવેથી સાંજે સાત વાગે શરૂ કરવામાં આવશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યુ છે.

ઉલ્લેખનિય છે કે, મહીસાગર સ્થિત ફાજલપુર ફ્રેન્ચ કૂવા ખાતે વાવાઝોડું કે વીજ પૂરવઠો ખોરવાય ત્યારે પંપો બંધ રહેવાના કારણે પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાય છે, જેથી શહેરના અનેક વિસ્તારોમાં પાણીનુ વિતરણ થઈ શકતું નથી, જેથી પાલિકા તંત્ર દ્વારા આ ફ્રેન્ચકૂવા ખાતે ડિઝલ જનરેટર સેટ લગાડવાનું આયોજન કર્યુ છે.

કઈ ટાંકી અને બુસ્ટરના કમાન્ડ વિસ્તારમાં પાણી નહીં મળે?

છાણી ગામ ૨૪ કલાક પાણીની ટાંકી, છાણી ટાંકી, સમા, ટીપી-૧૩, સયાજી બાગ, જેલ અને લાલબાગ પાણીની ટાંકી આ ૭ ટાંકી, તેમજ નવી ધરતી બુસ્ટર, વિહિકલ બુસ્ટર, વારસિયા, સાધના નગર, બકરાવાડી, જૂની ગઢી, ફતેપુરા અને પરશુરામ બુસ્ટરના કમાન્ડ વિસ્તારને સપ્લાઇ બંધ રહેશે.