વડોદરા : જીવલેણ કોરોનાની સાથે મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં રોજ બરોજ વધારો નોંધાય રહ્યો છે. હાલ સયાજી હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓ મ્યુકરમાઈકોસિસની અસર હેઠળ સારવાર માટે દાખલ થયા હોવાનું માહિતગાર તબીબ સૂત્રોએ જણાવ્યું હતું. આજે વધુ પાંચ દર્દીઓનાં ઓપરેશન કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જીવલેણ કોરોનાની સાથે મ્યુકરમાઈકોસિસ નામના અતિગંભીર રોગો પણ માથું ઉચકયું છે અને આ રોગ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયેલા મોટાભાગે વ્યકતિ આ ગંભીર રોગમાં સપડાય છે. સમગ્ર રાજય સહિત શહેર જીલ્લામાં મ્યુકરમાઈકોસિસનો વાવર શરુ થયો છે અને કોરોનાની જેમ સંખ્યાબંધ દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં જ ૬૦થી વધુ આ રોગના દર્દીઓ દાખલ થયા છે. ગઈકાલે દાખલ થયેલા દર્દીઓ પૈકી તજજ્ઞ તબીબોએ બે દર્દીઓને આંખ ઉપર વધુ અસર બંને દર્દીઓની એક એક આંખ ઓપરેશન કરી કાઢી નાંખવામાં આવી હતી. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર મ્યુકરમાઈકોસિસથી સારવાર ખુબ જ મોંઘી છે અને તેનાં એક ઈન્જેકશનની કિંમત રુા.૭ હજાર હોવાનું જાણવામાં મળ્યું છે. જાે કે દર્દીઓની સંખ્યામાં વધારો થતાં આ મોંઘા ઈન્જેકશનોની માંગમાં પણ વધારો થયો છે. જાે કે સયાજી હોસ્પિટલમાં આ મોંઘા ઈન્જેકશનોનો હાલ પુરતો સ્ટોક હોવાનું તબીબે જણાવ્યું હતું. કુલ ૩૦૦ જેટલા ઈન્જેકશનોમાંથી ૧૭૫ જેટલા ઈન્જેકશનો વપરાય ચુકયા છે. જયારે ૧૨૦ જેટલા સ્ટોકમાં હોવાનું જાણવા મળ્યું છે.