વડોદરા, તા.૬

વડોદરામાં નવાયાર્ડ રોડ પર રેલવેના ગોડાઉનમાંથી મીઠાની ઓવરલોડેડ ગાડીઓ પસાર થતી રહે છે, અને આ ગાડીઓમાંથી રોડ ઉપર મીઠું ઢોળાતાં અવારનવાર અકસ્માતો થાય છે. આજે આવી પાંચ ગાડીઓ વોર્ડ નં.૧ના કોંગ્રેસના એક સિનિયર મહિલા કોર્પોરેટર સહિત કુલ કોર્પોરેટરોએ આગળ જતી અટકાવી દીધી હતી. ત્રણ ગાડીઓ નવાયાર્ડ ચિસ્તીયાનગરની સામે અટકાવી દીધી હતી. જ્યારે બીજી બે ગાડી નીકળીને આગળ જતી હતી, ત્યારે ગોરવા બ્રિજ પાસે અટકાવી ફતેગંજ પોલીસને સુપરત કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવાયાર્ડ રેલવેના ગોડાઉન પરથી નિકળેલી મીઠું ભરેલી ટ્રકોને અટકાવ્યા બાદ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને જહા દેસાઈએ જણાવ્યું હતું કે ગોડાઉનમાંથી ઓવરલોડ મીઠું ભરીને જે ગાડીઓ જાય છે તેના ઉપર તાડપત્રી પણ બાંધતા નથી. મીઠું ભરેલી ગાડીઓ અટકાવી દીધા બાદ તેઓએ પોલીસને પણ જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવો બનાવ બન્યો હતો અને અનેક વાહનચાલકો સ્લીપ ખાઈ જતાં રેલવે ટ્રાફિક પોલીસ શાખા સાથે સંકલન રાખી કાર્યવાહી કરવા અગાઉ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરાઇ હતી.કોર્પોરેશનની સામાન્યસભા અને સંકલન સમિતિની મિટિંગમાં પણ અવારનવાર આ મુદ્દે ધ્યાન દોર્યું હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ૩ દિવસ પહેલાં વડોદરામાં નવાયાર્ડમાં લોકમાન્ય ટિળક સ્કૂલ સામે મીઠું ભરેલી ઓવરલોડ ટ્રકમાંથી રોડ ઉપર મીઠું ઢોળાતાં વરસાદી છાંટા પડતાં મીઠું ઓગળી ગયું હતું. જેથી રોડ ચીકાશવાળો થતાં ત્યાંથી પસાર થતાં ટુ વ્હીલર ચાલકો વાહન સ્લીપ થવાના કારણે પટકાયા હતા.