કોલકાતા-

પશ્ચિમ બંગાળના ભારે વરસાદના કારણે આવેલા પૂરે ભારે તારાજી સર્જી છે. રાજ્યમાં અસરગ્રસ્ત 6 જિલ્લાઓમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. જ્યારે અઢી લાખથી વધુ લોકો બેઘર થયા છે. રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન મમતા બેનરજીએ બચાવ અભિયાન પર પ્રધાનોએ દેખરેખ રાખવાનો નિર્દેશ કર્યો છે. હુગલી જિલ્લામાં સેના અને વાયુસેનાએ બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અઢી લાખથી વધુ લોકોને બચાવી લેવાયા છે અને તેમને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. દક્ષિણ બંગાળના 6 જિલ્લાઓમાં મોટી સંખ્યામાં ઘરોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે દામોદર ઘાટી નિગમના ડેમથી પાણી છોડવામાં આવ્યું છે અને ગયા અઠવાડિયે ભારે વરસાદ પડ્યો છે. અધિકારીઓએ કહ્યું હતું કે, અત્યાર સુધી પૂરના કારણે થયેલા નુકસાનનું અનુમાન નથી લગાવાયું. અત્યારે અમારી પ્રાથમિકતા અસરગ્રસ્ત લોકોને બચાવવાની છે. પશ્ચિમ મેદિનીપૂર જિલ્લાના ઘાટલના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેનારા પંચાયત પ્રધાન સુબ્રત મુખર્જીએ કહ્યું હતું કેે, તેઓ બેનર્જીને સ્થિતિથી અવગત કરાવશે અને સ્થિતિને પહોંચી વળવા માટે પગલાં લેશે. પૂર્વીય વર્ધમાન, પશ્ચિમ વર્ધમાન, પશ્ચિમ મેદિનીપૂર, હુગલી, હાવડા અને દક્ષિણ 24 પરગના જિલ્લાઓના અનેક વિસ્તારો પૂરની ઝપેટમાં આવ્યા છે. લોકોના ઘરમાં કમર સુધી પાણી ઘૂસી ગયા છે. અધિકારીએ કહ્યું હતું કે, અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. રાજ્ય સચિવાલયમાં થયેલી કેબિનેટ બેઠક દરમિયાન મમતા બેનરજીએ પ્રધાનોને પોતપોતાના જિલ્લાઓમાં હાજર રહેવા અને રાહત તેમ જ બચાવકાર્યોની દેખરેખ રાખવા નિર્દેશ કર્યો છે.