ઇડર : ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો મારતા હાહાકાર મચી ગયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે લોકો જાતે જ પગલા ભરી રહ્યા છે અને સ્વયંભૂ લોકડાઉનનો ર્નિણય લઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠાનું વધુ એક ગામ આજથી ૧૦ દિવસ માટે બંધ રહેશે. આ અંગેની વિગતો એવી છે કે, આજથી ૧૦ દિવસ માટે ચોરીવાડ ગામ સ્વયંભુ બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ૧૦ દિવસ બંધ કરવાનો ર્નિણય કરાયો છે. ઈડરના ચોરીવાડમાં અત્યાર સુધીમાં ૧૦ જેટલા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ૧ ડીસેમ્બર થી ૧૦ ડીસેમ્બર સુધી સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધી ગામમાં દુકાનો ખુલ્લી રહેશે. 

આવશ્યક સેવાઓ દૂધ શાકભાજી મેડીકલની દુકાનો ખુલ્લી રહેશે. ૧૧ વાગ્યા પછી કોઈ દુકાનો ખોલશે તો રૂ ૧૧૦૦ દંડ વસુલ કરાશે. ગામમાં માસ્ક નહિ પહેરનારા ગ્રામજનોને પાસેથી રૂ ૨૦૦ દંડ વસુલ કરાશે. ગામમાં બહારના ફેરિયાને કોઈ પ્રવેશ આપવામાં નહીં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત રહેતાં તંત્ર અને લોકોમાં ચિંતા ફેલાવવા પામી હતી.