લંડન, 

વિશ્વની પ્રથમ ક્રમાંકિત એશ બાર્ટીએ ગુરુવારે અહીંના પૂર્વ ચેમ્પિયન એન્જેલિક કર્બરને સીધા સેટમાં હરાવીને પ્રથમ વખત વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ૧૯૮૦ માં ઈવોન ગુલાગોંગ પછી વિમ્બલ્ડન ફાઇનલમાં રમનાર તે પ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા હશે. ઓસ્ટ્રેલિયન ખેલાડી બાર્ટીએ સેમિ ફાઇનલમાં કર્બરને ૬-૩, ૭-૬ (૩) થી હરાવી હતી. ફાઇનલમાં તેનો આર્યના સબાલેન્કા અને કેરોલિના પીલિસ્કોવા વચ્ચેની બીજી સેમિ ફાઇનલની વિજેતા સામે ટકરાશે.

કર્બરે ૨૦૧૮ માં વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો હતો અને ૨૦૧૬ માં તે ઉપવિજેતા રહી હતી. બાર્ટી સામે પહેલો સેટ હાર્યા બાદ તેને બીજા સેટમાં પાછા આવવાનો મોકો મળ્યો. કેર્બર ૫-૩ પર સેટ માટે સર્વિસ કરી રહી હતી પરંતુ તેણે ૦-૪૦થી તેની સર્વિસ ગુમાવી દીધી હતી.

આ પછી ટાઇ-બ્રેકર સુધી સેટ ખેંચાયો હતો. ફ્રેન્ચ ઓપન ૨૦૧૯ ની વિજેતા બાર્ટીએ ટાઇબ્રેકરમાં ૬-૦ થી લીડ મેળવી અને ત્યારબાદ તેના ચોથા મેચ પોઇન્ટ પર જીત નોંધાવી.