વડોદરા, તા. ૨૧

પાદરમાં રહેતી દલિત વર્ગની ધો.૯ની વિદ્યાર્થિનીની પ્રેમજાળમાં ફસાવીને તેની પર મુસ્લીમ યુવક દ્વારા બળાત્કાર ગુજારવાના લવજેહાદના બનાવમાં બળાત્કાર પિડિતા કિશોરીએ તેની પર અન્ય પાંચ વ્યકિતઓએ પણ અલગ અલગ સ્થળે બળાત્કાર ગુજાર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં જણાવેલા પાંચ આક્ષેપિત આરોપીઓ પૈકીના બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી જે પૈકીનો એક આરોપી વડોદરાનો સમીર શાહ ભાજપા કાર્યકર અને ભાજપાના વેપાર સેલનો પુર્વ કન્વીનર હોવાની વાતે રાજકિય બેડામાં ચકચાર મચી છે.

પાદરામાં રહેતી દલિત વર્ગની ૧૫ વર્ષીય કિશોરી ધો.૯માં અભ્યાસ કરે છે. તેને શકીલ નામના મુસ્લીમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો જે બનાવની તેણે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શકીલની ધરપકડ કરી હતી. ત્યારબાદ કિશોરીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે તેની પર શકીલ તેમજ તેના પરિચિત એક મુસ્લીમ યુવક સહિત અન્ય પાંચ જણાએ પણ અલગ અલગ સમય અને સ્થળે તેની પર બળાત્કાર ગુજાર્યો છે. કોર્ટ આદેશ બાદ પોલીસે અગાઉ નોંધાયેલી બળાત્કાર, પોસ્કો અને એટ્રોસિટી એક્ટની ફરિયાદમાં વધુ આરોપીઓ રફીક, સમીર, પાદરાના ફાઈનાન્સર કિરણ, સતીષ ઉર્ફ દિનેશ અને દિપક સામે ગુનો નોંધી રફીક અબ્દુલઅઝીઝ મેમણ (ગોવિંદપુરા, પાદરા) અને સમીર શાંતિલાલ શાહ (સ્કાય હાર્મોની રેસીડન્સી,અંબાલાલ પાર્ક પાસે, કારેલીબાગ)ની ધરપકડ કરી બંનેને જ્યુડીશ્યલ કસ્ટડી હેઠળ જેલભેગા કરાયા છે.

ગઈ કાલે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ પૈકીના સમીર શાહ વડોદરા શહેર ભાજપાનો કાર્યકર તેમજ ભાજપાના વેપાર સેલનો પુર્વ કન્વીનર હોવાની વિગતોએ શહેર-જિલ્લા ભાજપામાં ચકચાર મચાવી છે પરંતું શિસ્તના કારણે ભાજપા દ્વારા આ મામલે અકળ મૈાન રાખી કોઈ સ્પષ્ટતા કરી નથી. સમીર શાહને શહેરના ભાજપા અગ્રણીઓ સાથે ઘનિષ્ટ સંબંધ છે અને તેના સોશ્યલ મિડિયામાં પણ ખુદ તેણે પોતાના પ્રોફાઈલમાં તે ટાટા સ્કાય ડિસ્ટ્રીબ્યુટર સંચાલક હોવાની તેમજ તેનો મોબાઈલ શો-રૂમ હોવાની અને તે વડોદરા શહેર ભાજપાના વેપાર બિઝનેશ સેલ કન્વીનર હોવાનું જણાવ્યું છે. ભાજપાનો કાર્યકર અને પુર્વ હોદ્દેદારની જ લવજેહાદ અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ધરપકડ થતાં શહેર જિલ્લા ભાજપામાં ચકચાર મચી છે. જાેકે આ સમગ્ર મામલે ભાજપા દ્વારા ડેમેજ કન્ટ્રોલમાં લાગી ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે અને કદાચ રાજકિય દબાણના કારણે જિલ્લા પોલીસે પણ સમીર શાહ ભાજપા સાથે સંકળાયેલો હોવાની વિગતો જાહેર નહી કરી આ મામલે ચુપકિદી સેવી હોવાનું પણ મનાઈ રહ્યું છે.

ડો.રાજેશ શાહ અને બિઝનેસ સેલના કન્વીનર જિગ્નેશ શાહ સાથે પણ આરોપી જાેવા મળ્યો હતો

બળાત્કારના ગુનામાં ઝડપાયેલા સમીર શાહનું ફેસબુક એકાઉન્ટ જાેતા તેણે ભાજપના અનેક નેતાઓ સાથે ફોટા મુક્યા છે પરંતું તાજેતરમાં જ કારેલીબાગ વિસ્તારના એક કાર્યક્રમમાં વોર્ડ-૩ના ભાજપાના કોર્પોરેટર ડો.રાજેશ શાહ- નિકીર અને વડોદરા શહેર ભાજપા બિઝનેશ સેલના કન્વીનર અને સરકાર નિયુક્ત સેનેટ સભ્ય જીગ્નેશ શાહ સાથેનો એક ફોટો પણ તેણે પોસ્ટ કર્યો છે અને તે ફોટોમાં તે ગળામાં ભાજપનો કેસરી ખેસ લટકાવેલો જાેવા મળે છે.

સમીર શાહને વેપાર સેલ કમિટીમાં નથી જાેયો ઃ ડો.વિજય શાહ

સમીર શાહ ભાજપા કાર્યકર છે કે નહી અને તે શહેર ભાજપાના વેપાર સેલનો કન્વીનર છે કે કેમ ? તે અંગે શહેર ભાજપા પ્રમુખ ડો.વિજય શાહે જણાવ્યું હતું કે હું ગત ૨૦૨૦માં શહેર પ્રમુખ બન્યા બાદ સમીર શાહને ક્યારેય વેપાર સેલની કમિટીમાં કે ભાજપાના કોઈ કાર્યક્રમમાં જાેયો નથી.

આરોપી સમીર શાહ અગાઉ દેવાળું ફૂંકી ચૂકયો છે

સમીર શાહ અને તેના ભાઈ અને ભાગીદાર કેતન શાહ ફતેગંજમાં ઈમ્પલ્સ નામે ભાગીદારીમાં વેપાર કરતા હતા, પરંતું ખોટા ધંધાના કારણે તેમની પેઢી દેવામાં જતા બેંકે તેમની દુકાન તેમજ સમા સિધ્ધાર્થ બંગ્લોઝમાં આવેલું મકાન ટાંચમાં લીધું હતું. એક તબક્કે સમીર શાહ વડોદરા છોડીને દાહોદ ખાતે આવેલા તેના વતનમાં જતા રહેવાની ફરજ પડેલી અને થોડાક સમય અગાઉ તેણે વડોદરા પરત ફરી નોકરી અને વેપાર શરૂ કરી સ્થાયી થવાનો પ્રયાસ કરેલો. થોડાક સમય અગાઉ કોવિડમાં તેની પત્ની પણ તેને છોડીને જતી રહેલી.