દિલ્હી-

છેલ્લા 15 દિવસથી ગંભીર બિમારીથી પિડાઇ રહેલા દેશના ભુતપુર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનુ 84 વર્ષની વયે આજે સાંજે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. તાજેતરમાં, પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા, તેમની સર્જરી પણ થઈ હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કરીને પ્રણવ મુખર્જીના અવસાનની માહિતી આપી હતી.

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું આજરોજ નિધન થયું છે તેમની બ્રેઇન સર્જરી બાદ થી કોમામાં સરી પડયા હતા ત્યારબાદ તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ આજે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 84 વર્ષીય પ્રણવ મુખર્જીએ વર્ષ 2012થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ માંથી એક હતા. 

પશ્ચિમ બંગાળમાં 11 ડિસેમ્બર 1932ના રોજ જન્મેલા પ્રણવ મુખર્જી ભારતના તેરમા રાષ્ટ્રપતિ હતા તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા આજે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનના સમાચારથી શોકની લાગણી કોંગ્રેસ સહિત દરેક પક્ષ માં છવાઈ ગઈ છે. પૂર્વ રાષ્ટ્રપતિના નિધન ના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજકીય પક્ષના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. 

ગત 10 ઓગષ્ટના રોજ તેમને હોસ્પિટલમાં બ્રેન સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. તે પહેલા તેમના ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે તેમને કોરોનાનું સંક્રમણ હોવાનું પણ સામે આવ્યું. 10 ઓગસ્ટે ખુદ પ્રણવ મુખરજીએ ટ્વિટ કરી અને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થવાની પ્રક્રિયા દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ તેમણે લખ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય તે પણ આઇસોલેટ રહે અને કોઇ જ નો ટેસ્ટ કરાવી લે. ત્યારબાદથી પ્રણવ મુખર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જેમાં તેમની તબિયત લથડતા છેલ્લા કેટલાક દિવસોથી તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા.