વડોદરા, તા.૧૫

સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ ઉપર લૂંટનો વીડિયો જાેઈ શહેરના યુવાનોએ જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. જેમાં મંગળવારે ખોડિયારનગર ખાતેના વલ્લભ જ્વેલર્સના માલિકની આંખમાં મરચાં ભૂકી નાખી રૂા.૧.૪૦ લાખની કિંમતની ત્રણ સોનાની ચેઈનની લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાના મામલાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચને કલાકોમાં ઉકેલી નાખવામાં સફળતા મળી છે. પોલીસની ટીમે લૂંટ ચલાવી ફરાર થનારા બે લુંટારુઓ અને બે સાગરિતોને મોડી રાત્રે ગોલ્ડન ચોકડી ખાતેથી ઝડપી પાડયા હતા. બાદમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ હાથ ધરતાં સૂત્રધારે ઈન્સ્ટાગ્રામ એપ ઉપર વીડિયો જાેઈ લૂંટનો પ્લાન ઘડયો હોવાની કબૂલાત કરી હતી.

શહેરના બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખોડિયારનગર વિસ્તારમાં શ્રીજી પ્લાઝા એપાર્ટમેન્ટ સ્થિત વલ્લભ જ્વેલર્સમાં બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ લૂંટની ઘટના બની હતી. જેમાં જ્વેલરી શોપના માલિક રોનકભાઇ મહેશભાઇ સોની ગ્રાહકને સોનાની ચેઇન બતાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક એક શખ્સ દુકાનમાં ધસી આવ્યો હતો અને દુકાન માલિક કઇ સમજે તે પહેલાં જ તેમની આંખમાં મરચાંની ભૂકી નાખીને અંદાજે ૩૦ ગ્રામ સોનાની ત્રણ ચેઇનો લૂંટીને દુકાન બહાર ઊભેલા સાગરિતની બાઇક પર ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસે અજાણ્યા લૂંટારા સામે રૂા. ૧,૩૯,૮૦૬ કિંમતની સોનાની ૩ ચેઇન લૂંટી જવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

લૂંટની ઘટના જ્વેલર્સના શોરૂમ સ્થિત સીસીટીવીમાં કેદ થઇ હતી. બીજી બાજુ આ બનાવની જાણ બાપોદ પોલીસ મથકના પીઆઇ, ડીસીપી ઝોન-૨ને થતાં તેઓ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. ડીસીપી ઝોન-૨ના અધિકારીએ મુખ્ય રસ્તાઓ ઉપર નાકાબંધી કરાવી દીધી હતી અને પોલીસ તંત્રને પણ એલર્ટ કરી દીધું હતું. આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપતાં ક્રાઇમ બ્રાંચે લુંટારુ ટોળકીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીઆઇ તેમજ સ્ટાફે ગોલ્ડન ચોકડી પાસેથી ૪ શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી તલાશી લેતાં સોનાની ૩ ચેઇન મળી આવી હતી. પોલીસે તેમની વધુ પૂછપરછ કરતાં તેમણે ખોડિયારનગર વલ્લભ જ્વેલર્સમાંથી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. દરમિયાન ટોળકીને પોલીસ સ્ટેશન લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. જેથી બનેલા લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મળેલી સફળતા મળી હતી. લૂંટનો બનાવ બનતાં પોલીસ કમિશનરે જેસીપી, ક્રાઇમ બ્રાંચના ડીસીપી અને એસીપી ટીમને એલર્ટ કરી દેવામાં આવી હતી. લુંટારુ ટોળકી વડોદરા બહાર નીકળી જાય તે પહેલાં જ ગોલ્ડન ચોકડી પાસેથી મુખ્ય સૂત્રધાર પ્રિન્કેશ નગીનભાઇ પરમાર (રહે. ૫૦૪, વૈકુંઠ-૨, ખોડિયારનગર, ન્યુ વીઆઇપી રોડ), આક્ષિત મનોજસિંહ ચાવડા (રહે. ૨૦૧, બાલાજી વિહાર એપાર્ટમેન્ટ, ખોડિયારનગર), મયંક જિતેશભાઇ પરમાર (રહે. ૯૯૬, વૈકુંઠ-૨, ખોડિયારનગર) અને કૌસ્તુક રાજુભાઇ કિનેકર (રહે. એ/૧૫૨, દર્શનમ એન્ટાલિયા-૧, એમ.એમ.વ્હોરા શો-રૂમ સામે, સોમા તળાવ)ની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. વડોદરા ક્રાઇમ બ્રાંચે ટોળકી પાસેથી જ્વેલર્સના શો-રૂમમાંથી લૂંટ ચલાવેલી ૩ સોનાની ચેઇન, ચાર મોબાઇલ ફોન અને બે મોટર સાઇકલ મળી કુલ રૂપિયા ૨,૨૮,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.