દિલ્હી-

૨૦૨૨થી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગી જશે. એટલું જ નહીં, ૧૨૦ માઈક્રોન સુધીની જાડાઈવાળા પ્લાસ્ટિક બેગ અને ૨૪૦ માઈક્રોન સુધીની જાડાઈવાળા નોનવોવન બેગનો ઉપયોગ પણ બંધ થઈ જશે. પ્લાસ્ટિકના કચરાના દુષ્પ્રભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે આ અંગેના નોટિફિકેશનનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. આ ડ્રાફ્ટ અંગે લોકોની મુશ્કેલીઓ અને સૂચનો જાણવા માટે ગુરૂવારથી ૬૦ દિવસ માટે તેને પબ્લિક ડોમેનમાં લાવવામાં આવ્યો છે. ત્યાર બાદ તેનું ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરી મહિનામાં વડાપ્રધાન કાર્યાલયે પ્લાસ્ટિકના ઉપયોગને સીમિત કરવાને અનુલક્ષીને બેઠક રાખી હતી. તે બેઠકમાં માઈક્રો પ્લાસ્ટિક એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓનો ઉપયોગ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ પહેલા ૫૦ માઈક્રોન સુધીની પ્લાસ્ટિક બેગ અને વસ્તુઓ પર પ્રતિબંધ મુકવાનો જ નિયમ હતો. દેશભરમાં સમાન રીતે લાગુ થનારા આ નવા નિયમો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (સંશોધન) નિયમ, ૨૦૨૧ તરીકે ઓળખાશે. દિલ્હીમાં પર્યાવરણ વિભાગના વિશેષ સચિવ કે.એસ. જયચંદ્રને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈ દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ તથા દિલ્હી પાર્ક એન્ડ ગાર્ડન સોસાયટીના નામે આદેશ પણ જાહેર કરી દીધા છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના સર્વે રિપોર્ટ પ્રમાણે દેશમાં વાર્ષિક ૧૬ લાખ ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પન્ન થાય છે. જ્યારે દિલ્હીમાં તે આંકડો વાર્ષિક ૮૦૦ ટન જેટલો છે. યાદીમાં સમાવિષ્ટ વસ્તુઓમાં ડિસ્પોઝેબલ ક્રોકરી, પીવાના પાણીના પેક્ડ ગ્લાસ, થર્મોકોલ અને પ્લાસ્ટિકથી બનેલી સજાવટની તમામ વસ્તુઓ, પ્લાસ્ટિકની થેલીઓ, ૫૦ મિમી કે ૫૦ ગ્રામ સામાનવાળા પ્લાસ્ટિકના પાઉચ, ફુગ્ગા, ઝંડા, ટેટ્રાપેકના પાઈપ, પેકિંગ માટેની પ્લાસ્ટિક શીટ, ૫૦૦ મિમીસુધીના તરલ પદાર્થોવાળી પ્લાસ્ટિકની હલકી બોટલ્સ વગેરેનો સમાવેશ થાય છે.