ગાંધીનગર-

મુખ્યમંત્રીએ પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા તેમજ રાજ્ય મંત્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતીમાં ગુજરાત પ્રવાસન નીતિ -ર૦ર૧-રપની મહત્વપૂર્ણ જાહેરાત ગાંધીનગરમાં કરી હતી. આ નવી પ્રવાસન નીતિ માં રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે નવા રોકાણો અને સ્થાનિક સમુદાયો માટે રોજગાર અવસર ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નવી પ્રવાસન નીતિ નું લોંચીંગ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણ સાથે આ નવી પ્રવાસન નીતિ માં વોકલ ફોર લોક સહિત સ્થાનિક રોજગારી અને સંતુલિત પ્રાદેશિક વિકાસની નેમ આપણે રાખી છે. તેમણે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં ઉમેર્યુ કે, વિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી પ્રવાસનો ઉત્તમ અનુભવ આપીને પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આ પોલિસી ઉપયુકત બનશે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતના પશ્ચિમ કાંઠે આવેલું ગુજરાત વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વભરના પ્રવાસીઓને અદભૂત અનુભવોની ભરપૂર તકો પૂરી પાડે છે. ગુજરાતમાં વન્યજીવોના અભયારણ્યો, હિલ રિસોર્ટ્સ, કુદરતી આકર્ષણો અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હેરિટેજ સાઈટ્સ છે. આ ઉપરાંત, સદીઓ જૂનાં શિલ્પો, હસ્તકલા, કલાકૃતિઓ અને વિવિધ મેળાઓ અને તહેવારો રાજ્યને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવે છે. આ સાથે ગુજરાતમાં કેટલાંક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો સમગ્ર વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યાં છે.