વડોદરા, તા. ૯

શહેરમાં નવરાત્રિ મહોત્સવનો આગામી ૧૫મી તારીખે પ્રારંભ થવાનો છે તેવા સમયે શહેરમાં ગરબા સમયે મેદાન કે રાજમાર્ગો પર કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાય તે માટે શહેર પોલીસ તંત્રએ કમર કસી છે. આજે શહેર પોલીસ કમિ.એ શહેરના તમામ નાના-મોટા ગરબાના આયોજકો માટે ગાઈડ લાઈન જાહેર કરી હતી જેમાં આ વર્ષે સૈાથી ચર્ચાસ્પદ બનેલા ખેલૈયાઓના આરોગ્યના મુદ્દે મહત્વના આદેશ જાહેર કરી ગરબાના મેદાન પર ઓક્સિજનની પણ વ્યવસ્થા રાખવા તાકીદ કરી હતી.

નવરાત્રિ મહોત્સવના પ્રારંભનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે તેવા સમયે રાજયમાં વિવિધ સ્થળોએ ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે યુવાનોના હાર્ટએટેકના કારણે મોત થવાના બનાવો ઉપરાછાપરી સપાટી પર આપતા ખેલૈયાઓ સાથે ગરબા આયોજકોમાં ભારે ચિંતાનું મોજુ ફેલાયું છે. ગરબામાં ખેલૈયાઓના આરોગ્યના મુદ્દે શહેર પોલીસ તંત્ર પણ એટલું જ ચિંતાતુર હોઈ આજે શહેરના તમામ નાના-મોટા ગરબા આયોજકો માટે શહેર પોલીસ કમિ.એ ગરબાની હેલ્થ ગાઈડલાઈન જાહેર કરી હતી. આ હેલ્થ ગાઈડલાઈનમાં ગરબા આયોજકોએ ગરબાના મેદાનો પર પાણી હવા સાથે ઓક્સિજન અને ઓઆરએસ સહિતની ચીજવસ્તુઓ અને એેમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવા તાકીદ કરી છે.

શહેર પોલીસ કમિ.ના ગાઈડ લાઈન મુજબ આયોજકોએ ગરબાનું આખુ સ્થળ પાર્કિંગ સુધી સીસીટીવી કેમેરાથી કવર કરવાનું, ગરબાના સ્થળે મેડિકલ કીટ-મેડિકલ ટીમ રાખવાની, ગરબાના સ્થળે નાગરિકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને સતત એનાઉન્સમેન્ટ કરવાનું રહેશ તથા ગરબામાં બ્રેક પડે ત્યારે સુરક્ષા બાબતે સમજ પણ આપવાની રહેશે. ગરબા સ્થળે ફાયર ફાયટર તેમજ ઈમરજન્સી લાઈટ અને જનરેટરની વ્યવસ્થા રાખવાની રહેશે. ગરબા સ્થળે ચેકીંગ વ્યવસ્થામાં પ્રાઈવેટ સિક્યુટીરી એજન્સીનો ઉપયોગ કરવાનો રહેશે જેમાં મહિલાઓનું ચેકિંગ ફક્ત મહિલા સિક્યુટીરી ગાર્ડ દ્વારા જ થાય તે ધ્યાને લેવાનું અને તે માટે અલગથી એન્કલોઝર લગાવવાનું રહેશે.

વોલિએન્ટર્સ માટે સીપીઆરની તાલિમ ફરજિયાત

આ વર્ષે ગરબામાં ખેલૈયાઓને હાર્ટએટેક આવવાના સંભવિત બનાવોને રાજય સરકાર સાથે શહેર પોલીસે પણ ભારે ગંભીરતાથી લીધો છે અને તેના કારણે જ પોલીસના ગરબા હેલ્થ ગાઈડલાઈનમાં ગરબાના આયોજકોએ મેડિકલ ઈમરજન્સી માટે વોલિએન્ટર્સ રાખી તેઓને ફરજિયાત પણ સીપીઆરની તાલિમ આપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત ઈમરજન્સી માટે ટ્રાફિક કોરીડોર બનાવી ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે તેમજ ઈમરજન્સીમાં તાત્કાલિક સારવારઅર્થે એમ્બ્યુલન્સ ગરબા સ્થળે જઈ શકે તે માટે ઈમરજન્સી ગેટ બનાવવો પડશે અને આ બોર્ડમાં રેડિયમ લાઈટનો ઉપયોગ કરવાનો રહેશે જેથી તે સ્પષ્ટ રીતે જાેઈ શકાય.

પોલીસની હેલ્પ ડેસ્ક માટે આયોજકોએ સ્ટોલ બનાવવો પડશે

ગરબામાં યુવતીઓ –મહિલાઓની સુરક્ષા માટે પણ ખાસ સુચનો કરવામાં આવ્યા છે જે મુજબ ગરબા આયોજકોએ ગરબાના સ્થળે જાહેરમાં જાેઈ જાેઈ શકાય તે રીતે ૧૮૧ અભયમ અને શી ટીમ વડોદરાનો સ્ટોલ તથા બેનર ફરજિયાત લગાડવાનું રહેશે જેમાં બહેનોની સુરક્ષા બાબતે કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે તેવી વિગત સાથેના બેનરો લગાડવાના રહેશે જેનો નમુનો શી ટીમ દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત ગરબામાં લોકોની મદદ માટે પોલીસ હેલ્પ ડેસ્ટ માટે એક સ્ટોલ આયોજકોએ બનાવી આપવાનો રહેશે.