નવીદિલ્હી

ક્રિકેટ સહિત તમામ રમતના ચાહકો માટે એક ખુશખબરી છે. રમત મંત્રાલયે દેશમાં ટૂર્નામેન્ટોને બહાલી માટે પોતાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (એસઓપી) માં ફેરફાર કર્યો છે અને એ વાતનું એલાન કર્યું છે કે સ્ટેડિયમની કુલ ક્ષમતાના મહત્તમ 50 ટકા હવે આઉટડોર રમત સ્પર્ધાઓ દરમિયાન દર્શકોને એન્ટ્રી આપી શકાશે. આ નિર્ણય બાદ હવે ચાહકો પોતાની પસંદગીની રમતનો લુત્ફ ઉઠાવી શકશે. ફેબ્રુઆરીમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં બે ટેસ્ટ અને પાંચ ટી-20 મેચની શ્રેણી રમાવાની છે. એસઓપી અનુસાર જો 50 ટકા દર્શકોને આવવા દેવામાં આવે તો અમદાવાદના સ્ટેડિયમની ક્ષમતા 1.10 લાખ દર્શકોની છે તેના અડધા દર્શકો ગણવામાં આવે તો 55,000 દર્શકો થાય છે.

રમત મંત્રાલય તરફથી જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે 25 નવેમ્બરે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા દિશા-નિર્દેશો અનુસાર દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે બંધ જગ્યામાં યોજાતી ટૂર્નામેન્ટમાં દર્શકોની સંખ્યા 200 સુધી મર્યાદિત રાખી છે. મંત્રાલયે રાજ્ય સરકારોને પોતાની હિસાબથી દર્શકોની સંખ્યા નક્કી કરવાની પરવાનગી પણ આપી છે. આ રીતે હવે જે પણ ક્રિકેટ મેચ કે પછી કોઈ અન્ય રમત સાથે જોડાયેલો મેચ સ્ટેડિયમમાં રમાશે તો તેમાં દર્શકો આવી શકશે. 

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને કારણે ભારતમાં પણ રમતની દુનિયા થંભી જવાપામી હતી. જો કે બાદમાં જ્યારે રમત શરૂ થઈ તો ખાલી સ્ટેડિયમોમાં મેચનું આયોજન થયું હતું. જો કે હવે નવા વર્ષ પહેલાં રમત મંત્રાલયે ચાહકોને મોટી ખુશખબરી આપી છે. ઈન્ડિયન સુપરલીગમાં પણ દર્શકોને સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાની અનુમતિ અપાઈ શકે છે. આ લીગ ભારતમાં થોડા સપ્તાહો પહેલાં જ શરૂ થઈ છે. 

આ પછી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ફેબ્રુઆરીથી માર્ચ સુધી રમાનારી ત્રણેય ફોર્મેટની શ્રેણી પહેલાં રમત મંત્રાલયનો આ નિર્ણય ઘણો મોટો જ માનવામાં આવે છે. આવામાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પણ દર્શકો મેચ જોવા જઈ શકશે. આ ઉપરાંત ચેન્નાઈ અને પૂનામાં પણ મુકાબલા રમાવાના છે ત્યારે ત્યાં પણ દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી અપાશે.