દિલ્હી-

દેશભરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં પ્રથમ લહેર કરતા સંક્રમણ ત્રણ ગણું ઝડપી વધ્યું છે. દૈનિક 2 લાખ જેટલા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આ સમયે કોરોના સામે કારગર હથિયાર હાલ વેક્સિનેશન છે.

કોરોનાને હરાવવા માટે વેક્સિનેશનની ગતિ ઝડપી બનાવવી જોઈએ. આ દિશામાં કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દેશમાં કોરોનાના રોગચાળાને નાથવા કોરોના વેક્સિનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર વેક્સિનેશનના આ ત્રીજા તબક્કામાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એક ઈન્ટરવ્યુમાં આ અંગેના સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, યુએસ, યુકે, જાપાન અને WHOને જે વેક્સિનને માન્યતા આપી છે. તેને જલ્દીથી ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમે વેક્સિનની સુવિધાઓ પણ વધારી રહ્યા છીએ. આ નિર્ણયોની અસર મે મહિનાની શરૂઆતમાં જોવા મળશે.