વડોદરા : નદી, તળાવો, નાળા તેમજ ખૂલ્લી જગ્યાઓમાં કેમિકલ છોડવાની ઘટનાથી જમીનનું જળ પ્રદૂષિત થઈ રહ્યું છે. ઈન્ડસ્ટ્રીયલ પ્રદૂષણ પણ બેકાબૂ બની રહ્યું છે. આજે વાઘોડિયા હાઈવે ચોકડી નર્મદા કેનાલ પાસે ખાડામાં લીલા રંગનું પ્રવાહી રેલાયેલું જાેવા મળ્યું હતું. આસપાસના કોઈ ઔદ્યોગિક એકમે ઔદ્યોગિક કચરાનો નિકાલ કરાયો હોવાની શકયતા વ્યક્ત કરાઈ રહી છે. પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ આ અંગે જીપીસીબીને જાણ કરતાં અધિકારીઓ તરત જ દોડી ગયા હતા અને સેમ્પલો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 

તાજેતરમાં મહિસાગર નદીમાં ફીણવાળું પાણી ફેલાતાં ખળભળાટ મચી ગયો હતો. તો બે દિવસ પૂર્વે જ વિશ્વામિત્રી નદીમાં કેમિકલ છોડવાનું કૌભાંડ ઝડપાયું હતું. જાંબુઆ અને ઢાઢર નદીના પટમાં પણ અનેક વખત ટેન્કરો દ્વારા કેમિકલ છોડી દેવાની ઘટનાઓ બની છે. જીપીસીબી દ્વારા આવી ઘટનાઓની તપાસ કરી જે તે સમયે કાર્યવાહી કરાય છે પરંતુ કડક કાર્યવાહી કરાતી નથી. જેથી અવારનવાર ઔદ્યોગિક પ્રદૂષિત કેમિકલનો બેફામ નિકાલ કરવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છ.

આજે વાઘોડિયા નેશનલ હાઈવે ચાર રસ્તા પાસે હિમાલય પાર્ટી પ્લોટની સામે ખાડામાં લીલા રંગનું પ્રવાહી રેલાયું હોવાનું જાેવા મળ્યું હતું. આ ઉપરાંત આસપાસના ઔદ્યોગિક કચરાની ગુણો પણ જાેવા મળી હતી. આ અંગેની જાણ પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિને થતાં તેમણે તરત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જાણ કરતાં અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને પાણી તેમજ સ્થળ પર પડેલા વેસ્ટના સેમ્પલો ચેક કરીને તપાસ હાથ ધરી છે. જાે કે, ખાડીમાં ઠાલવવામાં આવેલા આ પ્રવાહીથી જમીની પાણી પ્રદૂષિત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પાદરા, જંબુસર તાલુકામાં અનેક ગામોમાં ગ્રાઉન્ડ વોટર પ્રદૂષિત થયા છે.