અમદાવાદ-

તાજેતરમાં સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા રાજ્યના પેટ્રોલપંપ સંચાલકોને ત્યાં સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. ટેક્સ ચોરીના કૌભાંડમાં રાજ્યના ૧૦૪ પેટ્રોલપંપ પર દરોડા દરમિયાન ટેકસ ચોરી તેમજ વેટના રજિસ્ટ્રેશન રદ થવા છતાં તેઓએ પેટ્રોલનું વેચાણ ચાલું રાખ્યું હતું. અત્યાર સુધીમાં પેટ્રોલપંપ સંચાલકોએ રૂ. ૪૦૦ કરોડનું પેટ્રોલ બારોબાર વેચીને રૂ. ૬૫ કરોડની ટેકસ ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ની નજીક પહોંચી ગયા છે ત્યારે કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો ગેરરીતિ કરવામાંથી ખચકાઇ રહ્યા નથી. જીએસટી લાગુ થયાને ચાર વર્ષ વીતી ગયા તેમ છતાં નંબર લેવાયા ન હતા. આ પેેટ્રોલ સંચાલકો ટેકસ ભર્યા વગર પેટ્રોલ વેચતા હતા. વેટના રજિસ્ટ્રેશન વગર ૨૭ પેટ્રોલ પંપ વેચાણ કરતા હતા, જેમણે રજિસ્ટ્રેશન વગર અંદાજે રૂ. ૪૦૦ કરોડનું વેચાણ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કેટલાક પેટ્રોલ પંપો ભરવાપાત્ર વેરો ન ભરીને ટેકસ ચોરી કરી હોવાનું જાણવા મળ્યુંં છે. અત્યાર સુધીની તપાસમાં રૂ. ૬૪ કરોડનો વેરો ભરપાઇ કર્યો ન હોવાનું બહાર આવ્યું છે. પેટ્રોલપંપ સંચાલકોની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.