વડોદરા : વડોદરા શહેરની મધ્યમાં દાંડિયા બજાર ખાતે આવેલ લકડી પુલની ગાયકવાડી સમયની વરસાદી કાસની કામગીરી લાંબા સમયની સ્થાનિક રહીશોની માગ પછીથી મોડેમોડે પણ શરુ કરી દેવામાં આવી છે. જેમાં આ કાસમાં વરસાદી પાણી સાથે ખેંચાઈ આવતા કચરાના ઢગલાઓ અને ઝાડના વેલાઓને દૂર કરી દેવામાં આવ્યા છે. વડોદરા મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ નંબર-૫ અને ઇલેક્શન વોર્ડ નંબર-૧૩ના દાંડિયા બજાર માર્ગના લકડી પૂલ ખાતે ગાયકવાડી સમયની વરસાદી પાણીના નિકાલ માટેની વરસાદી કાંસ આવેલી છે જેમાં કચરાના ઢગલા અને ઝાડના વેલાઓ ઉગી નીકળ્યા હતા. જેથી વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો ન હતો. તેમજ વરસાદી પાણી અને એની સાથે ખેંચાઈ આવતો કચરો ભરાઇ રહેવાના કારણે ખૂબ જ ગંદકી જોવા મળતી હતી. આના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતો હતો તેવી રજૂઆત અવારનવાર સ્થાનિક રહીશોને સાથે રાખીને સ્થાનિક કાઉન્સિલર દ્વારા પાલિકાના કમિશ્નર સમક્ષ કરાઈ હતી. જેને ધ્યાનમાં લઇ આખરે વહીવટીતંત્ર દ્વારા દાંડિયાબજાર લકડીપુલ ખાતેની વરસાદી કાસની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે અને ફરીથી આવી સમસ્યા ના સર્જાય તે રીતે કરવામાં આવે એ બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિક કાઉન્સિલર અને નાગરિકો દ્વારા સ્થળ પર જઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાસમાં ભરાયેલા પાણીમાં ખેંચાઈ જવાને લઈને ગત વર્ષે એક યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ એમાં તાત્કાલિક કામગીરી કરવાની સ્થાનિક રહીશોની માગ એક વર્ષે સ્વીકારીને કામગીરી હાથ ધરવામાં આવી છે.