વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા છેલ્લા એક માસથી દબાણો દૂર કરવાની ચાલી રહેલી કામગીરી અવિરત જારી રહેવા પામી છે. જેના ભાગરૂપે સોમવારે બાપોદમાં મેઘ ઓપેરેશન કાર્ય બાદ આજે મંગળવારે કપુરાઇ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટુકડી દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જે દબાણો પર પાલિકાની દબાણ શાખાની ટુકડીનું જેસીબી મશીન અને હથોડા વિંઝાયા હતા એમાં વિવિધ બંગલાઓની કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ સહિતના દબાણોનો સમાવેશ થાય છે. અંદાજે પાંચસો મીટરના દબાણો દૂર કરવાની કામગીરીમાં પાલિકાની દબાણ શાખાની ટુકડી સાથે પોલીસ. ગુજરાત વિદ્યુત બોર્ડ, ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ, ગેસ, ટીપી સહિતનો સ્ટાફ જાેડાયો હતો.જેઓ દ્વારા સંયુક્ત કામગીરી કરીને મોટાપાયે દબાણોને જમીનદોસ્ત કરી દીધા હતા. આ કામગીરીને લઈને દબાણ કરનારાઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. પાલિકાની દબાણ શાખા દ્વારા જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા એમાં વડોદરા મહાનગર પાલિકામાં સમાવિષ્ઠ વિસ્તાર નગર રચના યોજના નંબર-૪૦ ના કાપુરાઇ વિસ્તારમાં આવેલ વિવિધ આવાસ યોજનાઓ અને સોસાયટીઓ તથા ફ્લેટોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જે દબાણો માર્ગમાં અડચણરૂપ હોવાનું પાલિકાની દબાણ શાખા અને ટીપી શાખા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ વિસ્તારના મેઘા ઓપેરેશનમાં બાર મીટરના ટીપી માર્ગ પર આવેલ સિલ્વર પામ , વૈષ્ણવ પાર્ક સોસાયટી સહિતની જગ્યાઓથી કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ સહિતના દબાણો દૂર કરાયા છે. એમ સૂત્રોએ ઉમેર્યું હતું.