અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં સતત કોરોના પોઝિટીવ કેસનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટના વહીવટી વિભાગના છ કર્મચારી અને વિજિલન્સ વિભાગના એક કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાત હાઇકોર્ટને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ ખાતે કોરોનાના 7 કેસ આવતા તંત્રએ આ નિર્ણય લીધો છે. હાલમાં કોર્ટ સંકુલમાં પોઝિટીવ કેસ નોધાતા હાઇકોર્ટ 3 દિવસ બંધ છે.

હાઇકોર્ટના જ્યુડિશીયલ વિભાગના એક કર્મચારીને કોરોના થતા સંકુલમાં સઘન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન હાઇકોર્ટના વહીવટી વિભાગના છ કર્મચારી અને વિજિલન્સ વિભાગના એક કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ત્યાર પછી સંકુલને સીલ કરી દેવામાં આવ્યું હતું. 

તા. 8થી 10 જુલાઇ દરમિયાન હાઇકોર્ટ સંકુલ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે અને દરેક જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઇ અને સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આ ત્રણેય દિવસના કેસો તા. 13મી અને 14મી જુલાઇના રોજ નિયત કરવામાં આવ્યા છે. 

ગઇકાલે આરોગ્ય વિભાગની માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 156 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 149 અને અમદાવાદ જિલ્લામાં 07 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,418 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 170 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,249 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,503 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3658 એક્ટિવ કેસ છે.