ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય આયોજીત રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસપોની ત્રીજી આવૃત્તિમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશની કુલ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત ૧૩ ટકા જેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે જણાવ્યું કે, રાજ્યની કુલ ૩૦ ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો ૩૭ ટકા ફાળો એટલે કે ૧૧ ગીગાવોટ ઉત્પાદન છે. મુખ્યમંત્રીએ દેશમાં પુન:પ્રાપ્ત ઊર્જાની વૃદ્ધિ અને વિકાસ માટે કાર્યશીલ રહેલા આ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલયના પરિણામદાયી પ્રયાસોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સતત માર્ગદર્શન મળતું રહે છે તેની સરાહના કરી હતી. વિજય રુપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી સેકટર માત્ર ઊર્જા ઉત્પાદનના વિકલ્પના રૂપમાં નહિ, પરંતુ રોજગારી સર્જન માટે પણ એક મોટા સેકટર તરીકે ઊભરી આવ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ મીટમાં સંબોધન કરતાં એમ પણ જણાવ્યું કે, દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટી ૮૯,ર૩૦ મેગાવોટ છે તેની સામે ગુજરાતે ૧૧,ર૬૪ મેગાવોટ કેપેસિટીનું યોગદાન આપેલું છે. મુખ્યમંત્રીએ વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જે સૌર ઊર્જાની શકિતનો અહેવાલ કરાવી શકે તેમ છે તેનો ગૌરવસહ ઉલ્લેખ કરતાં ગુજરાતને આ ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપનારા રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યકત કરી હતી. આ અવસરે ઊર્જા મંત્રી સૌરભ પટેલ, રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ઊર્જાના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સૂનયના તોમર તેમજ ઊર્જા વિકાસ નિગમના એમ.ડી. શાહમીના હૂસૈન વગેરે મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.