ગાંધીનગર-

હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં આગામી 16 અને 17 તારીખે ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં અલગઅલગ જિલ્લાઓમાં ફરી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં પણ ગુજરાતમાં અલગઅલગ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ પાકને અનુકૂળ વરસાદ વરસાદ પડતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં છેલ્લા કેટલાક સમયથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ રોડ-રસ્તાઓ પણ પાણી ભરાઈ ગયાં છે, ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.

પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વગેરે જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, કચ્છ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રના જામનગર અને મોરબીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા વગેરે જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે.