વડોદરા : વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવેની માટી સપ્લાય અંગેની કામગીરી માટે પોઝિટિવ અભિપ્રાય આપવા માટે રૂા.૧ લાખની લાંચ લેતાં પાદરા સેવા સદનના મામલતદાર જી.ડી.બારિયા અને નાયબ મામલતદાર કે.જે.પારગીને એસીબી ગ્રામ્યએ રંગેહાથ ઝડપી પાડયા હતા. ઈજારદારની ફરિયાદને આધારે એસીબીએ મામલતદાર કચેરીમાં જ છટકું ગોઠવ્યું હતું. 

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે જિલ્લાના પાદરા તાલુકામાંથી પસાર થતો હોઈ પાદરા તાલુકાના સાદડ ગામથજી આમળા ગામ સુધીનો હાઈવે વિસ્તારમાં માટી નાખવાનું કામ માટી સપ્લાયના ફરિયાદી કોન્ટ્રાકટરે રાખ્યું હતું અને હાઈવે વિસ્તારની આસપાસના ખેતરોમાંથી માટી લેવાની હોવાથી કોન્ટ્રાકટરે ખાણી અને ખનિજ કચેરી વડોદરા ખાતે અરજી કરી હતી. આ અરજીના આધારે ફરિયાદીના બે ફાઈલ ખાણ અને ખનિજ ખાતા દ્વારા પાદરા મામલતદાર કચેરીમાં અભિપ્રાય માટે આવેલ હતી, જે બંને ફાઈલોનો પોઝિટિવ અભિપ્રાય આપવા માટે પાદરા મામલતદાર સેવાસદનના મામલતદાર જી.ડી.બારિયાએ પોતાના તાબા હેઠળના નાયબ મામલતદાર કે.જે.પારગી દ્વારા કોન્ટ્રાકટર પાસે એક ફાઈના પપ હજાર લેખે બે ફાઈલના રૂા.૧.૫૦ લાખની લાંચ માગી હતી.

આ લાંચની રકમ માટે રકઝકના અંતે એક ફાઈલના રૂા.પ૦ હજાર લેખે બે ફાઈલના રૂા.૧ લાખની લાંચની લેવડદેવડનું નક્કી થયું હતું. આ લાંચની રકમ કોન્ટ્રાકટર આપવા માગતો નહીં હોવાથી વડોદરા ગ્રામ્ય એસીબી કચેરી ખાતે ઉક્ત બાબતની ફરિયાદ આપી હતી. એસીબી ગ્રામ્યના પીઆઈ કે.વી.લાકોડે ફરિયાદના આધારે લાંચના છટકાનું આજે આયોજન કર્યું હતું અને આજે પાદરા તાલુકા સેવાસદન ખાતે છટકાની વોચ ગોઠવી હતી આ સમયે માટી કામના કોન્ટ્રાકટર પાસે મામલતદાર વતી નાયબ મામલતદાર કે.જે.પારગીએ રૂા.૧ લાખની લાંચ માગેલી હતી અને તે લાંચની રકમ કોન્ટ્રાકટરે આપતાં જ એસીબી પીઆઈ કે.વી.લાકોડે તરત કે.જે.પારગી નાયબ મામલતદારને ઝડપી પાડી લાંચની રકમ રૂા.૧ લાખ રિકવર કરી હતી અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

બંને અધિકારી નિવૃત્તિના આરે

એકસપ્રેસ હાઈવેના માટીના કોન્ટ્રાકટર પાસે રુા.૧ લાખની લાંચ લેતાં ઝડપાયેલા પાદરાના મામલતદાર જી.ડી.બારીયા અને નાયબ મામલતદાર કે.જે.પારગી નિવૃત્તિના આરે પહોંચેલા છે. જેમાં મામલતદાર જી.ડી.બારીયાને નિવૃત્ત થવામાં એક વર્ષ કરતા ઓછો સમય બાકી છે. જયારે નાયબ મામલતદાર કે.જે.પારગીને બે વર્ષના નિવૃત્તિ સમય બાકી રહ્યો છે. તેવું મહેસુલ વિભાગમાં ચર્ચાઈ રહ્યું છે.